ડરપોક જજ કહેવાવા કરતાં મરવું પસંદ કરીશ

09 September, 2026 01:15 PM IST  |  muzaffarnagar | Gujarati Mid-day Correspondent

આમ જણાવીને મુઝફ્ફરનગરના જજે ૨૩મી ફાંસીની સજા ફટકારી : પત્નીને જીવતી સળગાવનારા પતિને મોતની સજા ફટકારતી વખતે જજ દિવાકરે ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે કડક ટિપ્પણી કરી

જજ દિવાકર

હું ડરપોક જજ કહેવાવા કરતાં મરવાનું વધુ પસંદ કરીશ એવી આકરી ટિપ્પણી સાથે મુઝફ્ફરનગરના જજ દિવાકરે પત્નીને જીવતી સળગાવનારા આરોપી નદીમને ફાંસીની સજા ફટકારી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૪ મહિનામાં ૧૦ અલગ-અલગ કેસમાં તેઓ ૨૩મી વખત ફાંસીની સજા આપી ચૂક્યા છે.

૨૦૧૮ની ૨૩ જુલાઈએ દારૂના નશામાં ધુત નદીમે તેની પત્નીને ઢોરમાર મારી તેના પર કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. પત્ની ૯૮ ટકા દાઝી ગઈ હતી અને પાંચ દિવસ બાદ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં તેનું મોત થયું હતું. 

આ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જજ દિવાકરે સ્પષ્ટ કહ્યું હતું કે ‘જજે નિર્ભય થઈને પોતાની ફરજ બજાવવી જોઈએ. કોઈ પણ બાહુબલી માફિયા કે ગુનેગારથી ડરવું જોઈએ નહીં. જો ન્યાયાધીશ ડરવા લાગશે તો ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે.’ 

જોકે નોંધનીય છે કે અલાહાબાદ હાઈ કોર્ટ દ્વારા હજી સુધી તેમની એક પણ ફાંસીની સજાને બહાલી આપવામાં આવી નથી અને ૯૭ જેટલી પડતર ફાઇલો તેમની કોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.

national news india muzaffarnagar Crime News