દેશના લોકોનાં દિલ જીતવાની પણ સિક્યૉરિટી ફોર્સિસની જવાબદારી : રાજનાથ

28 December, 2023 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુરક્ષાની સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ-કાશ્મીર આવેલા રાજનાથ સિંહે કહ્યું હતું કે દેશની સુરક્ષા કરવાની ફરજ નિભાવતી વખતે દેશના લોકોનાં દિલ જીતવાની પણ સિક્યૉરિટી ફોર્સિસની જવાબદારી છે.

રાજનાથ સિંહ

જમ્મુ (પી.ટી.આઇ.) : સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ઇન્ડિયન આર્મી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો બોલાવશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જોકે સાથે જ તેમણે દેશના નાગરિકોને નુકસાન થઈ શકે એવી કોઈ પણ ભૂલ ન કરવાની સૈનિકોને અપીલ કરી હતી. સુરક્ષાની સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ-કાશ્મીર આવેલા રાજનાથ સિંહે કહ્યું હતું કે દેશની સુરક્ષા કરવાની ફરજ નિભાવતી વખતે દેશના લોકોનાં દિલ જીતવાની પણ સિક્યૉરિટી ફોર્સિસની જવાબદારી છે. ઇન્ડિયન આર્મીનાં બે વેહિકલ્સ પર ઓચિંતા હુમલાના સંબંધમાં પૂછપરછ માટે સિક્યૉરિટી ફોર્સિસે ત્રણ નાગરિકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. જોકે એના પછી બાવીસમી ડિસેમ્બરે પૂંછ જિલ્લામાં આ ત્રણ નાગરિકો મૃત અવસ્થામાં મળ્યા બાદ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે રાજનાથ સિંહે આ ત્રણ નાગરિકોના પરિવારોને ન્યાયની ખાતરી આપી હતી. તેઓ આ મૃત નાગરિકોના પરિવારજનોને મળ્યા હતા.

national news rajnath singh jammu and kashmir