06 January, 2026 04:28 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
દેવાસના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (SDM) આનંદ માલવીયએ જાહેર કરેલા આદેશમાં મધ્ય પ્રદેશના પ્રધાન કૈલાશ વિજયવર્ગીયના ‘ઘંટા’વાળા નિવેદનનો અને ઇન્દોર સુધરાઈમાં દૂષિત પાણીથી થયેલાં ૧૫ મૃત્યુનો ઉલ્લેખ હતો અને એની ભાષા કૉન્ગ્રેસના આવેદનપત્ર જેવી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આનંદ માલવીયએ જાહેર કરેલો સરકારી આદેશ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં સરકારી બાબુઓમાં ખળભળાટ મચી ગયો હતો. વહીવટી ભાષાનો ઉપયોગ કરવાને બદલે આદેશમાં સરકારવિરોધી આરોપો, આંકડા અને કૅબિનેટ પ્રધાન કૈલાશ વિજયવર્ગીય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉજ્જૈનના વિભાગીય કમિશનર આશિષ સિંહે આનંદ માલવીયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.