10 March, 2025 12:18 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાના એક કેસમાં પત્નીને ભણવા ન દેવી એ માનસિક ક્રૂરતા હોવાનું કહીને એના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ‘પત્નીને ભણવા માટે ના પાડવી કે અભ્યાસ બંધ કરવા મજબૂર કરવી એ માનસિક ક્રૂરતા છે. આ એક એવો કેસ છે જ્યાં મહિલા વૈવાહિક જવાબદારીઓના નામે પોતાનાં સપનાં અને કારકીર્દીનું બલિદાન આપી રહી છે.’
આ મહિલાનાં લગ્ન ૨૦૧૫માં શાજાપુર જિલ્લામાં થયાં હતાં. એ સમયે તેણે બારમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. લગ્ન બાદ તે અભ્યાસ ચાલુ રાખવા માગતી હતી, પણ સાસરિયાં તેના અભ્યાસના વિરોધમાં હતાં. લગ્નના થોડા જ દિવસમાં પત્ની પિયર આવી ગઈ હતી અને છૂટાછેડાની અરજી ફૅમિલી કોર્ટમાં દાખલ કરી હતી. જોકે ફૅમિલી કોર્ટે તેની અરજી ફગાવી હતી અને પતિ સાથે રહેવા જણાવ્યું હતું.
૧૦ વર્ષના લગ્નજીવનમાં મહિલા અને તેનો પતિ જુલાઈ ૨૦૧૬માં ત્રણ દિવસ સાથે રહ્યાં હતાં. આ મહિલાએ ફૅમિલી કોર્ટના ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો અને હાઈ કોર્ટની ઇન્દોર બેન્ચના જસ્ટિસ વિવેક રુસિયા અને જસ્ટિસ ગજેન્દ્ર સિંહે બેઉ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ફૅમિલી કોર્ટના ચુકાદાને રદબાતલ ઠરાવ્યો હતો અને ૬ માર્ચે મહિલાની અપીલને મંજૂર કરીને છૂટાછેડા આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ‘અપીલકર્તા અને પ્રતિવાદી જુલાઈ ૨૦૧૬થી અલગ રહે છે અને તેમની વચ્ચે સુલેહની કોઈ સંભાવના નથી. શિક્ષણનો મતલબ જીવનની તૈયારી કરવાનો નથી પણ શિક્ષણ ખુદ જીવન છે.’