25 August, 2025 11:55 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક પુખ્ત વયની મહિલાસંબંધિત હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી કરતાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે જો મહિલા ઇચ્છે તો તેના પસંદના પરિણીત પુરુષ સાથે રહી શકે છે. એવો કોઈ કાયદો નથી જે સ્ત્રીને પરિણીત પુરુષ સાથે રહેવાથી રોકી શકે.
શું છે આખો મામલો?
હાઈ કોર્ટ ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાની કસ્ટડી માટે દાખલ કરાયેલી હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં મહિલા પર આરોપ હતો કે તે એક પરિણીત પુરુષ સાથે ભાગી ગઈ હતી, હકીકતમાં તેણે પોતાનાં માતાપિતા સાથે રહેવું જોઈતું હતું. રાજ્ય વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે જે પુરુષ સાથે તે રહેવા માગે છે તે પરણેલો છે અને તેની પત્નીને છોડીને જુદો રહે છે.
ન્યાયાધીશોએ શું કહ્યું?
૧૮ ઑગસ્ટે આપેલા ચુકાદામાં ન્યાયાધીશ અતુલ શ્રીધરન અને ન્યાયાધીશ પ્રદીપ મિત્તલની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે મહિલા પુખ્ત વયની છે અને પરિણીત પુરુષ સાથે સંબંધમાં રહેવું કે નહીં એ નક્કી કરવાનો તેને અધિકાર છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી તે જે પુરુષની સાથે લગ્ન કરવા માગે છે એ સવાલ છે, તો એવો કોઈ કાયદો નથી જે મહિલાને પરણેલા પુરુષની સાથે રહેતાં રોકી શકે.
કોર્ટે કહ્યું કે જો આ મહિલા તે પુરુષ સાથે લગ્ન કરે છે તો ફક્ત પુરુષની પહેલી પત્ની જ તેના પતિ સામે દ્વિપત્નીત્વ (બીજાં લગ્ન)નો કેસ દાખલ કરી શકે છે. આ પછી કોર્ટે મહિલાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે મહિલાએ તેનાં માતાપિતા સાથે રહેવાનો ઇનકાર કર્યો હોવાથી પોલીસને વિનંતી કરવામાં આવે છે કે મહિલા તેની પસંદગીના પુરુષ સાથે રહેવા જઈ રહી છે એવી તેની પાસેથી બાંયધરી લીધા પછી તેને મુક્ત કરવામાં આવે.