08 August, 2023 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શનિવારે મણિપુરમાં એક અવવારું ઘરને કેટલાંક અસામાજિક તત્ત્વોએ આગ ચાંપી દીધી હતી
મણિપુર વંશીય હિંસાની આગમાં સતત સળગી રહ્યું હોવાથી સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટનાં ત્રણ ભૂતપૂર્વ મહિલા જજની પૅનલ બનાવવાનો આદેશ આપ્યો છે. આ પૅનલ પીડિતોને રાહત, પુનર્વસન અને વળતરની તપાસ કરશે. આ સાથે જ મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ ડીજીપી દત્તાત્રેય પડસળગીકર સમગ્ર તપાસની નિગરાની કરશે. મહિલાઓ સામે થયેલા ગુનાઓની તપાસ સીબીઆઇ કરશે. વળી નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઇએ બીજાં રાજ્યોથી ડીવાયએસપી રૅન્કના ૫-૫ ઑફિસરો લીધા છે. અન્ય મામલે તપાસ માટે ૪૨ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બનાવવામાં આવશે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે આ સમિતિનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટનાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ કરશે અને એમાં બૉમ્બે હાઈ કોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) શાલિની પી. જોશી અને દિલ્હી હાઈ કોર્ટનાં ભૂતપૂર્વ જજ આશા મેનનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરહદી રાજ્ય અરાજકતા સાથે ભડકે બળી રહ્યું છે. વધુ ને વધુ લોકો મરી રહ્યા છે અને આગના બનાવો અને અફરાતફરી મચી રહી છે. આ વિશેના અહેવાલોથી વાકેફ ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે મહિલાઓના વિડિયોને આઘાતજનક ગણાવ્યો હતો. નગ્ન પરેડ વિશે જણાવ્યું હતું કે તે અસરગ્રસ્ત લોકોની રાહત અને પુનર્વસનની દેખરેખ માટે ત્રણ ભૂતપૂર્વ હાઈ કોર્ટ ન્યાયાધીશોની સમિતિની નિમણૂક કરવામાં આવશે.