01 March, 2025 07:36 AM IST | Agra | Gujarati Mid-day Online Correspondent
માનવ શર્મા તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
આગ્રામાં એક યુવકની આત્મહત્યાનો કિસ્સો (Manav Sharma Suicide) ચર્ચાનો વિષય બની ગયો છે. મૃતક માનવ શર્માના પિતાએ કહ્યું કે તેમની પુત્રવધૂ લગ્નથી ખુશ નહોતી અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવા માગતી હતી. આ મામલે પિતા નરેન્દ્ર શર્માએ સીએમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માગ કરી છે.
લગ્ન પછી સતત ઝગડા
માનવ શર્માના જાન્યુઆરી 2024માં બરહાનમાં લગ્ન થયા હતા. માનવ ટીસીએસ (Tata Consultancy Services) કંપનીમાં નોકરી કરતો હતો, તેથી તે પોતાની પત્નીને મુંબઈ લઈ ગયો હતો. પિતાના દાવા મુજબ, પત્ની રોજ કોઈને કોઈ વાતે ઝઘડો કરતી હતી અને પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. પિતાનું કહેવું છે કે વહુ લગ્નથી ખુશ નથી અને તે બોયફ્રેન્ડ સાથે રહેવા માંગતી હતી. પિતા નરેન્દ્ર શર્માએ જણાવ્યું કે 23 ફેબ્રુઆરીના રોજ માનવ અને તેની પત્ની મુંબઈથી તેમના વતન આવ્યા. એ જ દિવસે માનવ પત્નીને તેના ઘરે મૂકવા ગયો હતો. પિતાના આક્ષેપ મુજબ, ત્યાં વહુના પરિવારે માનવને ગાળો આપી, ધમકી આપી અને અપમાનિત કર્યો. આથી તણાવમાં આવી 24 ફેબ્રુઆરીની વહેલી સવારે 5 વાગ્યે, માનવે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Manav Sharma Suicide) કરી લીધી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આપઘાત કરતા પહેલા માનવે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પોતાની પત્ની અને તેના પરિવાર પર ગંભીર (Manav Sharma Suicide) આક્ષેપ કર્યા. વીડિયોમાં માનવ કહી રહ્યો છે કે "દ લૉ નીડ ટુ પ્રોટેક્ટ મૅન" (કાયદાએ પુરુષોની પણ રક્ષા કરવી જોઈએ). આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ ફરિયાદ અને ન્યાયની માગ
26 ફેબ્રુઆરીના રોજ પિતા નરેન્દ્ર શર્મા પોલીસ સ્ટેશન ગયા, પણ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે અધિકારીઓ મહાશિવરાત્રીની ડ્યુટીમાં છે, તેથી ફરિયાદ લેવામાં આવી ન હતી. આથી તેઓ પાછા ફર્યા અને સીએમ પૉર્ટલ પર ફરિયાદ નોંધાવી. પિતાએ માનવની આત્મહત્યાના કેસમાં વહુ અને તેના પરિવાર પર કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.
આવા જ એક કિસ્સામાં ઉત્તર પ્રદેશના એક 34 વર્ષીય વ્યક્તિએ સોમવારે બેંગલુરુમાં (Bengaluru Engineer Suicide) તેના નિવાસસ્થાને આત્મહત્યા (Manav Sharma Suicide) કરી હતી. અતુલ સુભાષ, જે એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો તેણે આપઘાત પહેલા 24 પાનાની સુસાઈડ નોટ છોડી દીધી જેમાં તેણે તેની પત્ની અને તેના સંબંધીઓ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રારંભિક તપાસ સૂચવે મુજબ સુભાષ વૈવાહિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો, અને તેની પત્નીએ તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ઘણા કેસ દાખલ કર્યા હતા જેની તેણે વીડિયોમાં ચર્ચા કરી હતી. આવું આકરું પગલું ભરતા પહેલા, તેણે ઘણા લોકોને ઈમેલ દ્વારા સ્યુસાઈડ નોટ મોકલી હતી અને તેને એક NGO સાથે સંકળાયેલા વોટ્સએપ ગ્રુપમાં શૅર કરી હતી જેનો તે ભાગ હતો.