20 July, 2023 04:40 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સિંગરૌલીના બૈઢન વિસ્તારનો રહેવાસી બાલા અબ્દુલ કાદિર 15 જુલાઈના રોજ પોતાના પરિવાર સાથે ભોપાલ સ્ટેશન (Bhopal) પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. તે સમયે તેને પેશાબ લાગ્યો. તેણે પેશાબ કરવા માટે સ્ટેશન પર આવેલ ટોયલેટનો ઉપયોગ ન કર્યો. સ્ટેશન પર બનેલા ટોયલેટની જગ્યાએ તે ઈન્દોર જવા માટે ઊભી રહેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat)માં ગયો. જ્યારે તે પેશાબ કરીને જ્યારે ટ્રેનમાંથી બહાર આવવા ગયો ત્યારે ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા. ટ્રેનના દરવાજા બંધ થઈ જતાં જ તે ગભરાઈ ગયો.
તેને આ વંદેભારત ટ્રેન વિશે કોઈ ખ્યાલ નહોતો. એને એ વાતનો ખ્યાલ નહોતો કે આ ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે અને જેમ ટ્રેન આગળ વધે છે તેમ તે લોક થઈ જાય છે. જોકે, ટ્રેન ચાલવા લાગી હતી. અબ્દુલ કાદિરે ટ્રેન આગળ વધતાની સાથે જ ટીટી અને પોલીસની પણ મદદ માગી હતી. મળતી માહિતી મુજબ તેઓએ અબ્દુલ કાદિરને મદદ કરવાને બદલે નુકસાની સહિત ટિકિટનું ભાડું રૂ.1020 ઊઘરાવ્યું. જોકે, પૈસા આપવા છતાં અબ્દુલ કાદિરને તેની મરજી વિરુદ્ધ ઉજ્જૈન સ્ટેશન (Ujjain) પર આવવું પડ્યું હતું.
ટ્રેનમાં રૂપિયા 1020નો દંડ ભર્યા પછી અબ્દુલ કાદિર ઉજ્જૈન પહોંચી ગયો હતો. ઉજ્જૈનથી ફરી ભોપાલ પાછા જવા માટે તેણે લગભગ 800 રૂપિયા ખર્ચ્યા હતા. તે જ સમયે તેનો પરિવાર દક્ષિણ એક્સપ્રેસ ટ્રેન દ્વારા ઘરે પહોંચી શક્યો ન હતો. જેના કારણે કાદિરે આ ટ્રેનની ટિકિટ માટે પણ 4,000 રૂપિયાનું નુકસાન ભોગવ્યું હતું.
આમ વંદે ભારત ટ્રેનમાં ભૂલથી પેશાબ કરવા ગયેલા અબ્દુલ કાદિરને લગભગ 6000 રૂપિયાનો ફટકો પડ્યો. અબ્દુલ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વંદે ભારત ટ્રેનોમાં ઈમરજન્સી વ્યવસ્થાના અભાવે તેના પરિવારને આ માનસિક ત્રાસ સહન કરવો પડ્યો. તેનું કહેવું છે કે ટ્રેનની ઈમરજન્સી સિસ્ટમની ખામીઓને કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
જોકે, અબ્દુલના આરોપોના જવાબમાં ભોપાલ રેલવે ડિવિઝનના પીઆરઓ સુબેદાર સિંહે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન શરૂ થાય તે પહેલાં જાહેરાત કરવામાં આવે છે. આ જાહેરાતમાં તમામ બાબતો સ્પષ્ટ કરવામાં આવતી જ હોય છે. કઈ દિશામાં દરવાજા ખુલશે અને દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે. તે તમામ પ્રકારની સૂચના આપવામાં આવતી હોય છે. આ પ્રકારના અકસ્માતોને રોકવા અને મુસાફરોને કોઈ તકલીફ ન થાય તે માટે ટ્રેનમાં અગાઉથી જ સિસ્ટમ કરવામાં આવે છે. ઉપરાંત તેમણે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓના આદેશ મળ્યા પછી જ ટ્રેનને રોકી શકાય છે. તે સિવાય રોકી શકાતી નથી.