10 April, 2025 02:28 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે થયેલી હિંસાને પગલે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં વક્ફ (સુધારિત) કાયદો લાગુ કરવામાં નહીં આવે.
ગઈ કાલે જૈન સમાજના એક કાર્યક્રમને સંબોધતાં મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘હું લઘુમતી કોમના લોકો અને તેમની સંપત્તિની રક્ષા કરવા માટે પગલાં ઉઠાવીશ. હું જાણું છું કે વક્ફ કાયદો લાગુ થયા બાદ તમે લોકો દુઃખી થયા છો, પણ ભરોસો રાખો કે બંગાળમાં આવું કંઈ નહીં થાય જેથી કોઈ સમાજમાં ફૂટફાટ પાડીને રાજ કરી શકે.’
આપણે સાથે રહીએ તો દુનિયા જીતી શકીએ એમ જણાવીને મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘બંગલાદેશની પરિસ્થિતિ જુઓ. આ કાયદો હાલમાં ભારતમાં બનાવવાની જરૂર નહોતી. તમે જીવો અને જીવવા દોનો સંદેશ આપવા માગો છો, બંગાળમાં રહેનારા લોકોને સુરક્ષા આપવાનું કામ અમારું છે. હું તમામને અપીલ કરું છું કે તમને કોઈ રાજકીય રીતે ઉકસાવે તો એવું ન કરશો. યાદ રાખો કે દીદી તમારી અને તમારી સંપત્તિની રક્ષા કરશે.’