મલ્લિકાર્જુન ખડગેનો દાવો : પહલગામ અટૅકના ૩ દિવસ પહેલાં વડા પ્રધાનને મળી હતી ચેતવણી

07 May, 2025 02:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઝારખંડના રાંચીમાં બંધારણ બચાવો રૅલીમાં મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ હુમલાને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા ગણાવી હતી

કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

પહલગામમાં આતંકવાદી હુમલા વિશે કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે મોટો દાવો કર્યો હતો. ઝારખંડના રાંચીમાં બંધારણ બચાવો રૅલીમાં મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ હુમલાને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘હુમલાના ત્રણ દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો અને એ અહેવાલ પછી તેમણે તેમની કાશ્મીરની મુલાકાત રદ કરી હતી. જો તેઓ આ જાણતા હતા તો તેમણે કંઈ કેમ ન કર્યું? સરકારે સ્વીકાર્યું છે અને તેઓ આ મામલે સુધારો કરશે. ગુપ્તચર એજન્સીઓ જ્યારે તમને કહે છે કે તમારી સુરક્ષા માટે ત્યાં જવું યોગ્ય નથી તો પછી સામાન્ય લોકોની સુરક્ષા માટે ત્યાંના સરહદી દળ અને પોલીસને આ વાત કેમ કહેવામાં ન આવી? આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહલગામમાં વધુ સુરક્ષા -કર્મચારીઓને કેમ તહેનાત ન કર્યા? કૉન્ગ્રેસ આતંકવાદ અને પાકિસ્તાન સામેની આ લડાઈમાં સંપૂર્ણપણે સરકાર સાથે છે.’

આગ લાગે ત્યારે કૂવો ખોદતું પાકિસ્તાન : યુદ્ધ માથા પર આવ્યું ત્યારે સંરક્ષણ-બજેટમાં કર્યો ૧૮ ટકાનો વધારો

બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જે પ્રકારનાં પગલાં લીધાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અને સંરક્ષણપ્રધાન દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યાં છે એનાથી પાકિસ્તાનને ભારત તરફથી હુમલાની શક્યતાનો ડર સતાવી રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાનની સરકાર આગામી બજેટમાં સંરક્ષણખર્ચ ૧૮ ટકા વધારીને ૨૫૦૦ અબજ રૂપિયાથી વધુ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર પહેલી જુલાઈથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટેનું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે સંરક્ષણખર્ચ માટે ૨૧૨૨ અબજ રૂપિયા ફાળવ્યા છે. ચાલુ વર્ષમાં દેવાની ચુકવણી માટે ફાળવવામાં આવેલા ૯૭૦૦ અબજ રૂપિયા દેશનો સૌથી મોટો ખર્ચ છે.

Pahalgam Terror Attack terror attack congress narendra modi national news news