10 March, 2026 11:49 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
ઉસ્માન હાદી
ગયા વર્ષે બંગલાદેશના યુવા નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં ફરાર મુખ્ય આરોપી ફૈઝલ મસૂદ કરીમ અને તેના સાથી આલમગીર શેખની પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે. બંગાળ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)એ નૉર્થ ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બંગલાદેશ સરહદ પરના બાંગાંવ વિસ્તારમાંથી શનિવારે મોડી રાતે ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હાદીની હત્યા બાદ બન્ને આરોપીઓ ગેરકાયદે રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને મેઘાલય સીમાથી ભારતમાં પ્રવેશ્યા હતા. બન્ને ત્યાંથી પશ્ચિમ બંગાળ આવ્યા હતા અને બંગલાદેશના સરહદી વિસ્તારમાં છુપાઈ ગયા હતા. બંગલાદેશમાં તાજેતરમાં નવી સરકારની રચના થયા પછી બન્ને જણ સરહદ પાર કરીને પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.