11 September, 2025 09:39 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
કૈલાશ સારંગ
મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસે જાહેરાત કરી હતી કે પાર્ટી લોકસંપર્ક વધારવા માટે પ્રભાત-ફેરી કાઢવાની છે, સાથે શ્રમદાન અને ગૌસેવા પણ કરવાની છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ નિર્ણયને કૉન્ગ્રેસનો સ્ટન્ટ ગણાવ્યો હતો. કૉન્ગ્રેસે એના જિલ્લા-પ્રમુખોને જનતા સાથે જોડાણ સ્થાપિત કરવા માટે આ નવાં સૂચનો આપ્યાં છે.
મધ્ય પ્રદેશમાં ૨૦૦૩ પછી ૨૨ વર્ષમાંથી બે વર્ષ સિવાય કૉન્ગ્રેસ સત્તાથી બહાર રહી છે. આટલા લાંબા વનવાસ પછી કૉન્ગ્રેસ હવે રાહુલ ગાંધીના મહત્ત્વાકાંક્ષી સંગઠન નિર્માણ અભિયાન હેઠળ પસંદ કરાયેલા જિલ્લા-પ્રમુખો દ્વારા દરેક ગામ અને શહેરમાં પ્રભાત-ફેરી, શ્રમદાન અને ગૌસેવાનું આયોજન કરવા જઈ રહી છે.
કૉન્ગ્રેસે ગૌસેવાની વાત કરવામાં ખૂબ મોડું કરી દીધું છે : કૈલાશ સારંગ
મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન વિશ્વાસ કૈલાશ સારંગે કહ્યું હતું કે કૉન્ગ્રેસે ગૌસેવાની વાત કરવામાં ખૂબ મોડું કરી દીધું છે. તેજસ્વી જેની સાથે આજે રાહુલ ગાંધી ભાઈ બન્યા છે તેમણે શ્રાવણમાં જ માંસ ખાધું હતું. કૉન્ગ્રેસ ફક્ત સ્ટન્ટ કરી રહી છે, એમાં કોઈ ફાયદો નથી. આ એ જ કૉન્ગ્રેસ છે જેણે ગાયનું માંસ ખાવાની ભલામણ કરી હતી, કૉન્ગ્રેસે જાહેરમાં ગાયની હત્યા કરી અને ગૌમાંસ ખાધું હતું.