મોહરમના જુલૂસમાં વૅનને ૪૦ ફુટ ઊંચે લટકાવીને એમાં બ્લાસ્ટ કર્યો

26 June, 2026 10:14 AM IST  |  ujjain | Gujarati Mid-day Correspondent

ઉજ્જૈનની ઘટના : દહેશતનું વાતાવરણ ઊભું કરવા બદલ આયોજક સહિત ૪ જણ સામે FIR

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહરમના જુલૂસ દરમ્યાન સુરક્ષાના ધજાગરા ઉડાવતો અને લોકોમાં ભય પેદા કરે એવો એક ચોંકાવનારો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ સરઘસમાં જાહેર જનતાની સુરક્ષાને જોખમમાં મૂકીને હવામાં આશરે ૪૦ ફુટની ઊંચાઈ પર લટકાવેલી એક વૅનની અંદર જોરદાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ સનસનાટીભરી ઘટના ૨૩ જૂને રાત્રે ઉજ્જૈનથી આશરે ૫૦ કિલોમીટર દૂર આવેલા બડનગરના અડાન મહોલ્લામાં બની હતી. આ જોખમી સ્ટન્ટનો વિડિયો સામે આવતાં જ પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આયોજક શોએબ તાલીમ અને ક્રેનના માલિક સહિત ૪ જવાબદારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

અડાન મહોલ્લામાંથી નીકળેલા આ જુલૂસમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સામેલ થયા હતા. એ દરમ્યાન ભીડની વચ્ચે જ એક તાતા મૅજિક વૅનને ક્રેનની મદદથી હવામાં આશરે ૪૦ ફુટ જેટલી ઊંચાઈ પર લટકાવવામાં આવી હતી. હવામાં લટકતી આ વૅન પર બે યુવકોએ અત્યંત જોખમી રીતે ઊભા રહીને લાલ રંગના ઝંડા લહેરાવ્યા હતા. ત્યાર બાદ તરત જ વૅનની અંદર કોઈ વિસ્ફોટક સામગ્રી વડે જોરદાર ધડાકો કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે તહેવારોનાં સરઘસોમાં સામાજિક સૌહાર્દ અને ભાઈચારાની મિસાલ રજૂ કરતી ઝાંખીઓ કાઢવામાં આવતી હોય છે, પરંતુ અહીં દહેશતનું વાતાવરણ ઊભું કરતો સ્ટન્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને વિડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

national news india madhya pradesh ujjain Crime News