02 March, 2024 09:08 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Loksabha Election 2024: છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી (Loksabha Election 2024) સમિતિની મેરેથોન બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી આજે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા વર્તમાન સાંસદો અને મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ ઘણા નવા ચહેરાઓ પર દાવ રમ્યો છે. નોંધનીય છે કે પીએમ મોદીએ આ ચૂંટણીઓમાં પાર્ટીની 370થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ યાદી બનાવવામાં આવી છે.
યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે
ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી આ પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 195 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી અને રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડશે. આ લિસ્ટમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા અને બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. પ્રથમ યાદીમાં 28 મહિલા ઉમેદવારોના નામ છે. આ સાથે 50 વર્ષથી ઓછી ઉંમરના 47 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કર્ણાટકના 12, તેલંગાણાના 09, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 5, જમ્મુ અને કાશ્મીરના 5, ઉત્તરાખંડમાંથી 2, અરુણાચલ પ્રદેશમાંથી 2, ગોવામાંથી 1, ત્રિપુરામાંથી 1, આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી 1 અને દમણ અને દિવમાંથી 1 એમ 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ગાંધીનગરથી અમિત શાહ, રાજકોટથી પુરૂષોત્તમ રૂપાલા, જામનગરથી પૂનમ માડમ અને પોરબંદરથી મનસુખ માંડિવાયના નામની ઘોષણા કરવામાં આવી છે.
આ નવી દિલ્હીના ઉમેદવારો હશે
બીજેપીએ દિલ્હીની સાતમાંથી પાંચ બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં નવી દિલ્હી સીટથી બાંસુરી સ્વરાજ, ચાંદની ચોક સીટથી પ્રવીણ ખંડેલવાલ, નોર્થ ઈસ્ટથી મનોજ તિવારી અને દક્ષિણ દિલ્હીથી રામવીર સિંહ બિધુરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે કમલજીત શેરાવતને પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે.
સિંધિયાને ગુના અને શિવરાજને વિદિશામાંથી તક મળી
મધ્યપ્રદેશમાં ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે દમોહથી રાહુલ લોધી, ખજુરાવથી વીડી શર્મા, રીવાથી જનાર્દન મિશ્રા, સિધીથી રાજેશ મિશ્રા, શહડોલથી હિમાદ્રી સિંહ, જબલપુરથી આશિષ દુબે, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. ભાજપે અહીંથી મેયર આલોક શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.