પહલગા​મમાં આતંકવાદીઓ ગોળીઓ વરસાવી રહ્યા હતા ત્યારે સ્થાનિક વિડિયોગ્રાફર જીવ બચાવવા ઝાડ પર ચડી ગયો

29 April, 2025 10:20 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

ઝાડ પર ચડી ગયા પછી તેણે વિડિયો લેવાનું ચાલુ રાખ્યું હતું, જે NIAને મદદરૂપ થશે

ટૂરિસ્ટોને રીલ્સ બનાવી આપતા વિડિયોગ્રાફરના મોબાઇલમાં ઝડપાયેલા આતકવાદીઓ.

નૅશનલ ઇન્વે​સ્ટિગેશન એજન્સી (NIA)એ ગઈ કાલે ઔપચારિક રીતે પહલગામ આતંકવાદી હુમલાની તપાસનો હવાલો સંભાળી લીધો હતો અને કાશ્મીરના સૌથી ભયંકર હત્યાકાંડ પાછળના ભયાનક ઘટનાક્રમને એકસાથે જોડી શકે એવી મહત્ત્વપૂર્ણ કડીઓ શોધી કાઢી છે.

તપાસ કરવામાં એક સ્થાનિક રીલ્સ-વિડિયોગ્રાફર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે, કારણ કે હુમલા વખતે તે ઝાડ પર ચડીને માંડ-માંડ બચી ગયો હતો, તેણે હુમલાનો વિડિયો રેકૉર્ડ કરવામાં સફળતા મેળવી હતી, જે હવે એજન્સીને હુમલાખોરોને ઓળખવામાં મદદ કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

બુધવારથી NIAની ટીમો સ્થળ પર સ્થાનિક પોલીસને મદદ કરી રહી હતી, પરંતુ ગૃહમંત્રાલયના કાઉન્ટર ટેરરિઝમ ઍન્ડ કાઉન્ટર રૅડિકલાઇઝેશન (CTCR) વિભાગના ઔપચારિક આદેશ પછી એજન્સીએ શનિવારે મોડી રાતે જમ્મુમાં કેસ નોંધ્યો હતો અને પુરાવા એકત્ર કરવાના પ્રયાસો ઝડપી બનાવ્યા હતા.

NIAની અનેક ટીમો ફૉરેન્સિક ટીમો સાથે બૈસરન વૅલીમાં પહોંચી હતી અને એ વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી હતી. આ સ્થળે ૨૨ એપ્રિલે આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ઘટનાસ્થળેથી મળી આવેલા ગોળીઓના શેલથી પુષ્ટિ મળી છે કે હત્યાકાંડમાં AK-47 રાઇફલ્સ અને M-4 કાર્બાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે હુમલાખોરો બે જૂથમાં વિભાજિત થયા હતા અને પીડિતોને નજીકથી નિશાન બનાવ્યા હતા.

વિડિયોગ્રાફર સિવાય પણ ઘણા પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલો થયો ત્યારે આ વિસ્તારમાં વેકેશન માણી રહેલા એક વરિષ્ઠ સુરક્ષા-અધિકારી પાસેથી પણ જાણકારી લેવામાં આવી રહી છે.

આતંકવાદીઓ કોકરનાગનાં જંગલોથી બૈસરન વૅલી સુધી પહોંચવા માટે ઘણા કલાકો સુધી પગપાળા ચાલ્યા હોવાની શક્યતા છે. NIAની ટીમોએ આતંકવાદીઓની મોડસ ઑપરેન્ડીના સંકેતો માટે પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળોની પણ તપાસ કરી હતી.

કેટલા હુમલાખોરો?
હુમલાખોરોની ચોક્કસ સંખ્યા હજી પણ અનિશ્ચિત છે, પરંતુ સાક્ષીઓના અહેવાલો સૂચવે છે કે બે સંકલિત જૂથમાં પાંચથી છ બંદૂકધારીઓએ આ હુમલો કર્યો હતો.

national news jammu and kashmir Pahalgam Terror Attack terror attack pakistan