19 July, 2025 11:03 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પોલીસ-કસ્ટડીમાં ચૈતન્ય બઘેલ (પીળા ટી-શર્ટમાં).
છત્તીસગઢ શરાબ કૌભાંડમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગઈ કાલે સવારે ધરપકડ કરી હતી. ગઈ કાલે ચૈતન્યનો જન્મદિવસ હતો. EDની ટીમે સવારે બઘેલના ભિલાઈસ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. શરાબ કૌભાંડ સંબંધિત મની-લૉન્ડરિંગ કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. EDએ ચૈતન્ય બઘેલને રાયપુર કોર્ટમાં રજૂ કર્યા હતા.
છત્તીસગઢ વિધાનસભા સત્રનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. સત્રની મધ્યમાં વિપક્ષે EDની કાર્યવાહી પર વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. ભૂપેશ બઘેલે સોશ્યલ મીડિયા પોસ્ટમાં આ દરોડા વિશે માહિતી આપીને લખ્યું હતું કે ‘ED આવી ગયું છે. વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. અદાણી માટે તમનારમાં કાપવામાં આવતાં વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. દુનિયાના કોઈ પણ લોકશાહી દેશમાં કોઈ પણ મોદી અને શાહજી જેવી જન્મદિવસની ભેટ આપી શકતું નથી. મારા જન્મદિવસ પર બન્ને સૌથી આદરણીય નેતાઓએ મારા સલાહકાર અને બે OSDના ઘરે ED મોકલી હતી. હવે મારા પુત્ર ચૈતન્યના જન્મદિવસ પર EDની ટીમ મારા ઘરે દરોડા પાડી રહી છે. આ ભેટ માટે આભાર. જીવનભર યાદ રહેશે.’
છત્તીસગઢ શરાબ કૌભાંડ શું છે?
છત્તીસગઢ શરાબ કૌભાંડ કથિત રીતે ફેબ્રુઆરી ૨૦૧૯માં શરૂ થયું હતું. આ સમયે ડિસ્ટિલરીમાંથી દર મહિને ૮૦૦ ક્રેટ દારૂ ભરેલી ૨૦૦ ટ્રક મોકલવામાં આવતી હતી. એવું કહેવાય છે કે શરૂઆતમાં દરેક ક્રેટ ૨૮૪૦ રૂપિયામાં વેચાતી હતી. પાછળથી જેમ-જેમ કામગીરી વિસ્તરતી ગઈ એમ-એમ જથ્થો બમણો થયો અને દર મહિને ૪૦૦ ટ્રક મોકલવામાં આવી. આ સાથે ક્રેટની કિંમત પણ વધીને ૩૮૮૦ રૂપિયા થઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું હતું કે માત્ર ૩ વર્ષમાં ૬૦ લાખથી વધુ ક્રેટ દારૂ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યો હતો, જેનાથી લગભગ ૨૧૬૧ કરોડ રૂપિયાની ગેરકાયદે આવક થઈ હતી. EDની સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં આ કૌભાંડ ૨૧૬૧ કરોડ રૂપિયાને બદલે ૩૨૦૦ કરોડ રૂપિયાનું હોવાનું જણાવવામાં આવ્યું છે.