30 June, 2026 09:33 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં યોજાયેલી ફૈઝાબાદ બાર અસોસિએશનની મીટિંગ
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દાનમાં થયેલી કથિત ઉચાપત મામલે સ્થાનિક વકીલ મંડળે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ફૈઝાબાદ અૅડવોકેટ્સ અસોસિએશને બેઠક યોજીને આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ ૮ આરોપીઓ વતી કોર્ટમાં કેસ ન લડવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે. અસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ જાહેરાત કરી છે કે જો કોઈ વકીલ આ નિયમ તોડીને આરોપીઓનો પક્ષ લેશે તો તેના પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ વિવાદ રામ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલા આશરે સાતથી ૭.૫ કરોડ રૂપિયાના દાનની કથિત ચોરી સાથે જોડાયેલો છે. ભૂતપૂર્વ વિધાનસભ્ય પવન પાંડેના આક્ષેપો અને મંદિર ટ્રસ્ટની વિનંતી બાદ ઉત્તર પ્રદેશ સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. ત્યાર બાદ ૨૫ જૂને ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
વકીલોના મતે પવિત્ર મંદિરના ભંડોળની ચોરીથી અયોધ્યાની છબી ખરડાઈ છે અને કાનૂની આલમની પણ લાગણી દુભાઈ છે. આ સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને વકીલો આ કેસની સુનાવણી જેલમાંથી જ વર્ચ્યુઅલ માધ્યમથી કરાવવા ઈચ્છે છે.
અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીથી પ્રતાપગઢના ૭૫ વર્ષીય દાતા સિયારામ ઉમરવૈશ્ય ભારે આઘાતમાં છે. તેમણે ૨૦૧૮માં પોતાની જમીન વેચીને મંદિર માટે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. હવે દાનની ચોરીથી દુઃખી સિયારામજીએ કહ્યું હતું કે ‘મેં જેમના પર આંધળો ભરોસો મૂક્યો એ ટ્રસ્ટના જ ઊંચાં પદો પર બેઠેલા લોકોએ પ્રભુના પૈસા ઓળવી લીધા. લોકોની ના છતાં મેં દાન આપ્યું જેનો હવે પશ્ચાત્તાપ થાય છે. આ પાપથી રામજીની છબી ખરડાઈ છે, પ્રભુ તેમને ક્યારેય માફ નહીં કરે.’ સિયારામે પોતાની જમીન બાળકો માટે રહેવા દેવાના બદલે વેચીને પૈસા દાનમાં આપ્યા હતા.
SBIએ ૩ મહિના પહેલાં કાઉન્ટિંગ સ્ટાફને દૂર કરવાનું દબાણ કર્યું હતું, પણ રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ એનો પ્રતિકાર કર્યો હતો
અયોધ્યામાં આવેલા રામ મંદિર ટ્રસ્ટના બૅન્ક-ખાતાનું સંચાલન કરતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ ચડાવાચોરીનો વિવાદ સામે આવ્યો એના આશરે ૩ મહિના પહેલાં ચોરીની આશંકાને કારણે દાનની ગણતરી કરનારા સ્ટાફને દૂર કરવા માટે દબાણ કર્યું હતું. SBIએ જે એજન્સીને ગણતરીનું કામ આઉટસોર્સ કર્યું હતું એ સ્ટાફને દૂર કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે ટ્રસ્ટના અધિકારીઓએ તેમની બરતરફી અટકાવી હતી.
બૅન્ક-સ્ટાફની સંડોવણી
દાનચોરીના કેસમાં બૅન્કના કર્મચારીઓ રત્નેશ અને ગગનદીપની ભૂમિકા બહાર આવી છે. તેઓ ગણતરીની દેખરેખ માટે કાઉન્ટિંગ રૂમમાં હાજર રહેતા હતા. પોલીસે તેમની સામે પુરાવા મેળવ્યા છે. ટૂંક સમયમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
તપાસ પહેલાં ટ્રસ્ટે ૫૮ લાખ રૂપિયા રિકવર કર્યા
રામ મંદિર દાનચોરી કેસમાં તપાસ શરૂ થાય એ પહેલાં ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને પોલીસ-અધિકારીઓએ પાંચમી જૂને ૮ આરોપીઓમાંથી એક અવિનાશ શુક્લાના ઘરેથી ૫૮ લાખ રૂપિયા રિકવર કર્યા હતા. બાકીની રકમ આરોપીઓ દ્વારા પાંચથી ૮ જૂનની વચ્ચે બૅન્ક-ટ્રાન્સફર દ્વારા પાછી કરવામાં આવી હતી. ટ્રસ્ટને ચોરીની જાણ ૪ જૂને થઈ હતી અને પાંચમી જૂનથી રિકવરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આ કેસમાં SITની રચના ૧૩ જૂને કરવામાં આવી હતી.
રામ મંદિરમાં દાનચોરી કરનારા લોકોની સંપત્તિમાં થયો છે ૧૦૦ ગણો વધારો
રામ મંદિર દાનચોરીના કેસમાં તપાસ-એજન્સીઓની નજર હેઠળ રહેલા મોટા ભાગના લોકોની કુલ સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાકે તો ટૂંકા ગાળામાં ૧૦૦ ગણો વધારો નોંધાવ્યો છે. ઓછી આવક હોવા છતાં ઘણા લોકોએ જમીન, પ્લૉટ અને હોટેલ સહિત મોંઘી મિલકતો ખરીદી હતી. મંદિરના ખજાનામાંથી આ સનસનાટીભરી ચોરી શંકાસ્પદો વચ્ચે પૈસાના વિભાજન વિશેના વિવાદને કારણે પ્રકાશમાં આવી હતી. શંકાસ્પદોએ ડિજિટલ પુરાવા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. દાનચોરીની તપાસની જાણ થતાં તેમણે ગુનામાંથી મળેલી રકમમાંથી છુટકારો મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. કેટલાક આરોપીઓએ તેમના મોબાઇલ ફોનમાંથી વૉટ્સઍપ ચૅટ અને અન્ય ડેટા ડિલીટ કરી દીધાં હતાં. કેટલાકે તો તેમના મોબાઇલ ફોનને સંપૂર્ણપણે ફૉર્મેટ પણ કરી દીધો હતો.