૧૯૩૨માં બે લાખ રૂપિયામાં શરૂ કરેલી ઍર ઇન્ડિયાને તાતાએ ૧૮૦૦૦ કરોડમાં ખરીદી

09 October, 2021 10:20 AM IST  |  New Delhi | Agency

તાતાની સંપૂર્ણ માલિકીની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મૂકવામાં આવેલી ૧૮૦૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ દ્વારા બીડ જીતીને ઍર ઇન્ડિયાની માલિકી ગ્રુપે પાછી મેળવી છે.

૧૯૩૨માં બે લાખ રૂપિયામાં શરૂ કરેલી ઍર ઇન્ડિયાને તાતાએ ૧૮૦૦૦ કરોડમાં ખરીદી

સરકારે ગઈ કાલે ઍર ઈન્ડિયાની બીડિંગમાં વિજેતા બીડર તરીકે તાતા ગ્રુપનું નામ જાહેર કર્યું છે. તાતાની સંપૂર્ણ માલિકીની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મૂકવામાં આવેલી ૧૮૦૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ દ્વારા બીડ જીતીને ઍર ઇન્ડિયાની માલિકી ગ્રુપે પાછી મેળવી છે.
૧૯૩૨માં તાતા ગ્રુપના જ પ્રયાસ અને એ સમયે બે લાખ રૂપિયાના જંગી રોકાણથી પહેલી વાર કરાચીથી બૉમ્બેની એવિએશન સર્વિસ શરૂ થઈ હતી, જે પછીથી તાતા ઍરલાઇન્સ અને ઍર ઇન્ડિયા તરીકે વિકસતી રહી. ૧૯૪૬માં તાતા ઍરલાઇન્સ ઍર ઇન્ડિયા નામે પબ્લિક કંપની બની અને ૧૯૪૮માં સ્વતંત્ર ભારતની પહેલી પબ્લિક-પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ તરીકે ‘મહારાજ’ના પ્રતીકાત્મક આવકાર સાથે આસમાની ઉડાન ભરવાની શરૂઆત કરી હતી. થોડાં જ વર્ષમાં તાતા દ્વારા પૂરા પાડવામાં આવી રહેલા સ્ટાફ, મેઇન્ટેનન્સ અને સર્વિસથી ઍર ઇન્ડિયા વિશ્વની શ્રેષ્ઠ ઍરલાઇન્સમાં ગણાવવા લાગી હતી. જોકે ૧૯૫૩માં દેશની ખોટ ખાઈ રહેલી ૧૦ ઍરલાઇન્સ અને નફામાં રહેલી એકમાત્ર ઍર ઇન્ડિયા સહિતની તમામ ૧૧ ઍરલાઇન્સને એક કૉર્પોરેશનમાં ફેરવવાનો નિર્ણય ત્યારની નેહરુ સરકારે કર્યો હતો. એ નિર્ણયનો જે.આર.ડી. તાતાએ ઘણો વિરોધ કર્યો હતો. ત્યાર બાદના દાયકાઓમાં સિંગાપોર ઍરલાઈન્સ સાથે પાર્ટનરશિપ કરીને વૈશ્વિક ઍરલાઈન્સ સ્થાપવાના બે નિષ્ફળ પ્રયાસ પછી છેક ૨૦૧૫માં તાતા ગ્રુપને તેમાં સફળતા મળી છે. છેલ્લે છેલ્લે મલેશિયા ઍરલાઈન્સ સાથે જોડાઈને ઍર એશિયાની સફળ ઉડાનમાં પણ ગ્રુપને સફળતા મળી છે. 
હવે ઍર ઇન્ડિયાના કૉકપિટમાં તાતા ગ્રુપની વાપસી સાથે ઍર ઇન્ડિયાની સર્વિસિસ બંધ થવાની શંકાઓનો અંત આવ્યો છે. સાથે સર્વિસમાં સુધારો થવાની આશા પણ સેવાઈ રહી છે. સરકારી સંચાલનમાં ઍર ઇન્ડિયાએ કપરાં ચઢાણ ચડવાં પડ્યાં હતાં અને વેચાણ ન થાય તો આશરે એક લાખ કરોડ જેટલા દેવા અને નુકસાનનું અનુમાન બંધાયું હતું.

national news new delhi tata ratan tata