લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાનો ચોંકાવનારો દાવો

26 September, 2025 10:16 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

લેહની હિંસામાં નેપાલ-કનેક્શન પણ છે, નેપાલના ૭ લોકો જખમી થયા છે એનાથી શંકા ઘેરી બને છે

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તા

લેહમાં અચાનક હિંસક પ્રદર્શન નથી થયું, એની પાછળ કોઈની સાજિશ હોવા ઉપરાંત નેપાલ-કનેક્શન હોવાનો અંગુલિનિર્દેશ ખુદ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તાએ કર્યો છે.

બુધવારે લદ્દાખ બંધ જાહેર કર્યા પછી થયેલી હિંસક તોડફોડમાં ૪ લોકોનાં મૃત્યુ અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા પછી ગઈ કાલે લેહમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો અને કારગિલ સહિત મુખ્ય શહેરોમાં પણ પાંચ કે એથી વધુ લોકોના જમા થવા પર સખત પાબંદી લગાવવામાં આવી હતી. કવિન્દર ગુપ્તાએ ગઈ કાલે સુરક્ષા સમીક્ષા-બેઠક બોલાવી હતી અને પ્રદેશમાં શાંતિ અને સતર્કતા જાળવવા માટે નિર્દેશો જાહેર કર્યા હતા. 

ગઈ કાલે લેહમાં BJPની ઑફિસની બહાર પહેરો ભરતી પોલીસ અને સળગી ગયેલી કાર.

કોણ છે જવાબદાર?

લેહ-લદ્દાખમાં ઉપદ્રવ કેવી રીતે થયો? આટલી ભીડ એકસાથે ત્યાં કેવી રીતે આવી ગઈ? કેમ કોઈ ખાસ જ લોકો અને જગ્યાઓને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યાં? આ સવાલોના જવાબમાં સુરક્ષા-સૂત્રોનું કહેવું છે કે ‘હિંસામાં નેપાલ-કનેક્શન પણ છે. નેપાલી નાગરિકોને અને જેન-ઝી યુવાનોને બોલાવવામાં આવ્યા હતા.’ 

તેમને ઉપદ્રવ માટે ભડકાવવામાં આવ્યા હોવાનો દાવો પણ સુરક્ષા-સૂત્રોએ કર્યો છે. સુરક્ષાદળો સાથે હાઈ લેવલ મીટિંગ પછી ન્યુઝ18 ઇન્ડિયા સાથેની વાતચીતમાં કવિન્દર ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ કોઈ અચાનક ઘટેલી ઘટના નહોતી, પરંતુ સુનિયોજિત રીતે લદ્દાખને ભડકે બાળવાની સાજિશ હતી. એમાં રાજનૈતિક દળો પણ સામેલ હતાં. હિંસા ફેલાવવા માટે બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. નેપાલના ૨૦ નાગરિકો પર અમારી નજર છે. હિંસક તોફાનો દરમ્યાન નેપાલના ૭ લોકો પણ જખમી થયા છે. એનાથી શંકા ઘેરી બને છે કે એમાં ‌વિદેશી હાથ પણ હોઈ શકે છે. અમારી પાસે પૂરી જાણકારી છે કે કોણ વિદેશ જાય છે અને ક્યાંથી આ માટેના પૈસા આવે છે. જેમણે પણ જેન-ઝીને બંગલાદેશ, શ્રીલંકા અને નેપાલની વાત કરીને લોકોને ભડકાવ્યા છે તેમને બક્ષવામાં નહીં આવે.’

૫૦ લોકોની અટક

હિંસા પછી કેટલાક લોકો લેહથી ભાગી ગયા હતા એની નોંધ પણ સ્થાનિક પોલીસે લીધી છે. પોલીસનાં સૂત્રોના કહેવા મુજબ લદ્દાખમાં ધીમે-ધીમે હિંસા ભડકાવવાનો પ્લાન બન્યો હતો. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ૫૦ લોકોને અટકમાં લીધા છે. એમાંથી મોટા ભાગના કિશોર છે. કેટલાક નેપાલી નાગરિકો પણ છે જેમની આ હિંસક પ્રદર્શનમાં શું ભૂમિકા હતી એની તપાસ થઈ રહી છે.

સરકારનો આરોપ : લદ્દાખને પૂર્ણ રાજ્ય અપાવવાના સંવાદમાં સોનમ વાંગચુક વિઘ્ન ઊભું કરી રહ્યા છે

બુધવારે થયેલી હિંસા બાદ કેન્દ્રના ગૃહમંત્રાલયે જાહેર કર્યું હતું કે ‘કેટલાક લોકો લદ્દાખને પૂર્ણ રાજ્ય આપવા તેમ જ છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે લદ્દાખના લોકો સાથે થઈ રહેલી પ્રગતિથી ખુશ નથી એટલે એમાં વિઘ્નો નાખી રહ્યા છે. આ વિષયો પર હાઈ પાવર કમિટીની મીટિંગ ૬ ઑક્ટોબરે થવાની છે, જ્યારે એ પહેલાં લદ્દાખના નેતાઓ સાથે પણ બેઠક થવાની હતી. સૌ જાણે છે કે ભારત સરકાર આ મુદ્દે લેહ ઍપેક્સ બૉડી અને કારગિલ ડેમોક્રૅટિક અલાયન્સ સાથે સક્રિય વાતચીત કરી રહી છે. એમ છતાં રાજનૈતિક રીતે પ્રેરિત લોકો આ સંવાદ-પ્રક્રિયાને વિફળ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે ડિમાન્ડ લઈને સોનમ વાંગચુક ભૂખહડતાળ પર બેઠા હતા એ પણ હાઈ પાવર કમિટીની બેઠકમાં ચર્ચાવાની છે. એમ છતાં તેમણે લોકોને ગુમરાહ કર્યા. ભડકાઉ ભાષામાં અારબ સ્પ્રિંગ જેવાં આંદોલનો અને નેપાલમાં બનેલી જેન-ઝીનાં પ્રદર્શનોનાં ઉદાહરણો અપાયાં.’

સોનમ વાંગચુકના NGOના વિદેશી ફન્ડિંગનું લાઇસન્સ રદ

સોનમ વાંગચુકે કહ્યું કે મને બલિનો બકરો બનાવ્યો, એનાથી હાલત સુધરશે નહીં પણ વધુ બગડશે

લદ્દાખમાં યુવાનોને ભડકાવવા માટે સરકારે સ્થાનિક કાર્યકર્તા અને શિક્ષાવિદ સોનમ વાંગચુકને જવાબદાર ગણાવ્યા હતા. CBIએ સોનમ વાંગચુકની હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑલ્ટરનેટિવ્સ લદ્દાખ (HAIL) અને સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઑફ લદ્દાખ (SECMOL)ને મળતા વિદેશી ફન્ડિંગના મામલે તપાસ શરૂ કરી દીધી હતી અને તેમનાં બન્ને NGOને મળતા વિદેશી ફન્ડિંગનાં લાઇસન્સ રદ કરી દીધાં હતાં. જોકે સોનમ વાંગચુકે CBIએ લગાવેલા આરોપોને રદિયો આપતાં કહ્યું હતું, ‘મને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે. એનાથી હાલત સુધરશે નહીં પણ વધુ બગડશે.’

સોનમ વાંગચુકના સમર્થનમાં ઊતર્યાં મેહબૂબા મુફ્તી

મેહબૂબા મુફ્તીએ સોનમ વાંગચુકના ફૉરેન ફન્ડિંગનાં લાઇસન્સ રદ કરવા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આવી કાર્યવાહી સુશાસન નથી પરંતુ પ્રતિશોધ છે. સોનમ વાંગચુક સરકારવિરોધી કે રાષ્ટ્રવિરોધી નથી, પરંતુ કેન્દ્ર સરકારે આપેલાં વચનોનું પાલન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જવાબ માગવો એ ગુનો નથી.’

national news india leh ladakh Crime News nepal mehbooba mufti