01 August, 2026 08:39 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
કેલમમાં ગઈ કાલે ઘાયલ પરપ્રાંતીય શ્રમિકને જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓએ બે બિનસ્થાનિક શ્રમિકો પર અંધાધૂંધ ગોળીબાર કરતાં ભારે અરાજકતા સર્જાઈ છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં એક શ્રમિકનું કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કેલમ વિસ્તારમાં આવેલી ઈંટની એક ભઠ્ઠી પર કામ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા સશસ્ત્ર આતંકવાદીઓએ શ્રમિકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન એક શ્રમિકે દમ તોડી દીધો હતો.
બીજા શ્રમિકની હાલત અત્યંત નાજુક હોવાથી તેની ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે વ્યાપક સર્ચ-ઑપરેશન શરૂ કર્યું છે.