12 November, 2025 09:06 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બંગાળમાં મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ થયા પછી કલકત્તાની ગુલશન કૉલોનીની મુલાકાત લેનારા બૂથ લેવલ ઑફિસરો (BLO) આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં લગભગ દરેક બિલ્ડિંગ પાંચથી છ માળ ઊંચું છે, દરેક માળ પર ઓછામાં ઓછા પાંચથી છ ફ્લૅટ છે. કુલ વસ્તી લગભગ બે લાખ છે. BLOને આટલી મોટી વસ્તી વચ્ચે મતદારો શોધવામાં મુશ્કેલી પડી રહી છે.
૯૦ ટકા બહારના લોકો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે ૯૦ ટકા રહેવાસીઓ બહારના છે, જેઓ રાજ્યના અન્ય ભાગોથી આવ્યા છે અને વર્ષોથી અહીં રહે છે. તેઓ સ્થાનિક મતદારો નથી. જોકે રહેવાસીઓ વોટર કાર્ડ હોવાનો દાવો કરે છે. આટલી વસ્તીમાં માત્ર ૩૫૦૦ લોકો પાસે વોટર કાર્ડ છે. બીજા લોકો બંગલાદેશી અથવા રોહિંગ્યા હોવાનું કહેવાય છે.
કૉલોની ખાલી કરાવવામાં આવી?
નોંધનીય છે કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે SIR લાગુ થયા પછી ગુલશન કૉલોની ખાલી કરવામાં આવી રહી છે, કારણ કે લોકો લાંબા સમયથી ત્યાં ગેરકાયદે રીતે રહેતા હતા. ગુલશન કૉલોનીને ગુનેગારો માટે સલામત આશ્રયસ્થાન પણ માનવામાં આવે છે અને અહીંથી ઘણા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.