15 August, 2025 02:33 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
બચાવટુકડીઓએ ભેખડો વચ્ચે મુશ્કેલીથી ૩૮ જેટલા મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ૧૦૦ જેટલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થાને લાવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગઈ કાલે વાદળ ફાટવાને લીધે ભારે તબાહી મચી હતી. મચૈલ માતા મંદિરની યાત્રામાં જવાના માર્ગમાં એક ગામ પાસે વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા ૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૧૦૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને વાદળ ફાટવાને લીધે જમ્મુના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પહલગામના અનેક વિસ્તારોમાં પણ ભારે પૂરને લીધે રસ્તાઓ તૂટી ગયા હતા.
આપદામાંથી બચી ગયેલા લોકોના ચહેરા પર ઊંડા શોક સાથે આઘાત સ્પષ્ટ જોવા મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલાએ કિશ્તવાડની આપદાને પગલે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કર્યા હતા. તેમણે ઍટ હોમ ટી-પાર્ટી પણ કૅન્સલ કરી દીધી હતી. જોકે સ્વતંત્રતા દિવસની માર્ચ આયોજન પ્રમાણે યોજાશે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ, મુખ્ય પ્રધાન સહિત અનેક નેતાઓએ આ આપદા માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મચૈલ માતા મંદિરે દર્શન કરવા જતા હતા લોકો
જમ્મુના મચૈલ માતા મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો યાત્રા કરીને દર્શન કરવા આવે છે. આ મંદિરે પહોંચવા માટેની યાત્રામાં છેલ્લે ૮.૫ કિલોમીટરનો પહાડી માર્ગ ચડીને જવો પડે છે. આ મંદિર સમુદ્રની સપાટીથી ૯૫૦૦ ફુટની ઊંચાઈએ આવેલું છે. આ યાત્રામાં વાહન દ્વારા પહોંચી શકાય એવું છેલ્લું ગામ ચિશોતી છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો મચૈલ માતાની યાત્રા માટે આવ્યા હતા. આ જ ગામ પર વાદળ ફાટ્યું હતું. યાત્રાને તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી.