16 August, 2025 10:27 AM IST | Kishtwar | Gujarati Mid-day Correspondent
કિશ્તવાડમાં વાદળ ફાટ્યા પછી સતત ૨૪ કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે
કિશ્તવાડના ચિશોતી ગામમાં ચાર સ્થળે વાદળ ફાટવાની ઘટનામાં આશરે ૬૦ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૧૫૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જીવ ગુમાવનારા લોકોમાં મોટા ભાગના એ ભાવિકો હતા જેઓ મચૈલ ચંડી માતાનાં દર્શન કરવા આવ્યા હતા. આ આપદામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના બે જવાન પણ શહીદ થયા છે. રાહત અને બચાવકાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી આવેલા કાદવના પૂરમાંથી બચાવવામાં આવેલા લોકોના ચહેરા લોહીથી લથપથ હતા, અપાર શારીરિક ઈજાઓનાં નિશાન દેખાતાં હતાં.
વાદળ ફાટવાના સ્થળે ૧૦૦૦થી વધુ લોકો હોવાનો અંદાજ છે. સેના, ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો અને સ્થાનિક લોકો કાદવ અને ખડકોના ઢગલામાંથી ઘાયલોને બહાર કાઢવા અને તેમને હૉસ્પિટલોમાં પહોંચાડવા માટે સતત કાર્યરત છે. જીવતા બહાર આવેલા ઘણા પીડિતોને એ પણ ખબર નહોતી કે ત્યાં શું થઈ ગયું.