ભારતમાં નિપાહ વાઇરસની એન્ટ્રી, સમગ્ર કેરલમ હાઈ અલર્ટ પર, ૭૭ લોકો ક્વૉરન્ટીન

12 June, 2026 08:05 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

૪૩ વર્ષનો દરદી મેડિકલ કૉલેજના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે, આરોગ્યપ્રધાને જનતાને સાવચેત રહેવાની અપીલ કરી

પ્રતીકાત્મક તસવીર

કેરલમના કોઝીકોડ જિલ્લામાં જીવલેણ નિપાહ વાઇરસનો એક નવો કેસ સામે આવતાં સમગ્ર રાજ્યનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. કોઝીકોડના જિલ્લા-કલેક્ટર એમ. એસ. માધવીકુટ્ટીએ ગુરુવારે સત્તાવાર પુષ્ટિ કરી છે કે રામનત્તુકરાની ૪૩ વર્ષની એક વ્યક્તિમાં નિપાહ વાઇરસનાં લક્ષણો પૉઝિટિવ આવ્યાં છે. હાલ આ દરદી કોઝીકોડ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના ICUમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

૭૭ લોકોનું કૉન્ટૅક્ટ-લિસ્ટ અને ક્વૉરન્ટીન

આ જીવલેણ ચેપને આગળ ફેલાતો અટકાવવા માટે સ્થાનિક પ્રશાસને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. સંક્રમિત દરદીના સંપર્કમાં આવેલા ૭૭ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તમામને ક્વૉરન્ટીન કરી દેવાયા છે. એમાં ૫૮ હેલ્થકૅર વર્કર્સ, પરિવારના ૧૪ સભ્યો, પાંચ મિત્રો અને સહકર્મીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત આ ૭૭ સંપર્કોમાંથી બે વ્યક્તિને હાઈએસ્ટ રિસ્ક અને ૧૩ને હાઈ-રિસ્ક કૅટેગરીમાં મૂકીને તાત્કાલિક ચુસ્ત ક્વૉરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૬૨ લોકોને લો-રિસ્ક કૅટેગરીમાં રાખીને મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સદ્નસીબે હજી સુધી સંપર્કમાં આવેલી કોઈ પણ વ્યક્તિમાં વાઇરસનાં લક્ષણો દેખાયાં નથી.

ક્યાંથી લાગ્યો ચેપ?
રાજ્યના આરોગ્યપ્રધાન કે. મુરલીધરને તિરુવનંતપુરમમાં તાકીદની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘દરદીએ તાજેતરમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું અને એની જાતે જ સફાઈ કરી હતી. આ સફાઈ-પ્રક્રિયા દરમ્યાન જ તે વન્ય ચામાચીડિયાનાં મળમૂત્ર અથવા લાળના સંપર્કમાં આવ્યો હોઈ શકે છે અને તેને આ ઇન્ફેક્શન લાગ્યું હોવાની પ્રબળ આશંકા છે.’

ચેપ ફેલાવાનાં મુખ્ય માધ્યમો

કુદરતી સ્રોત : ફ્રૂટ બૅટ્સ (ફળ ખાતાં ચામાચીડિયાં) આ વાઇરસનાં મુખ્ય વાહક છે. એમની લાળ, મળ કે મૂત્રથી આ વાઇરસ ફેલાય છે.
દૂષિત ખોરાક : ચામાચીડિયા દ્વારા કરડવામાં આવેલાં કે દૂષિત કરાયેલાં ફળો ખાવાથી અથવા ખજૂરનો કાચો રસ પીવાથી માણસ સંક્રમિત થાય છે.
માનવથી માનવ સંપર્ક : સંક્રમિત ડુક્કર અથવા નિપાહગ્રસ્ત દરદીના શારીરિક પ્રવાહી (લાળ, લોહી કે છીંક)ના સીધા સંપર્કમાં આવવાથી આ વાઇરસ અન્ય લોકોમાં ઝડપથી ફેલાય છે.

જીવલેણ ચેપ : આ ઇન્ફેક્શન મગજમાં ગંભીર સોજો પેદા કરે છે જે દરદી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

national news india kerala indian government ministry of health and family welfare