18 June, 2024 07:06 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ એકબીજાને મળ્યા હતા
G7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ એકબીજાને મળ્યા હતા એ તસવીરને પોસ્ટ કરીને કેરલા કૉન્ગ્રેસે લખ્યું હતું કે આખરે પોપને ભગવાનને મળવાનો મોકો મળ્યો.
થોડા સમય પહેલાં મોદીએ કહ્યું હતું કે મને ભગવાને મોકલ્યો છે.
જોકે આ પોસ્ટ બાદ વિવાદ ઊભો થતાં કેરલા કૉન્ગ્રેસે આ પોસ્ટ માટે માફી માગી લઈને એને હટાવી દીધી હતી. જોકે કૉન્ગ્રેસે કહ્યું હતું કે અેને વડા પ્રધાન મોદીને નિશાન બનાવવામાં જરા પણ ખચકાટ નથી.
જોકે કૉન્ગ્રેસે માફી ત્યારે માગી જ્યારે કેરલાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ કે. સુરેન્દ્રને આ પોસ્ટની ટીકા કરી અને આ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કૉન્ગ્રેસ પર ખ્રિસ્તી સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. સુરેન્દ્રને કહ્યું કે કૉન્ગ્રેસ વડા પ્રધાન મોદીની તુલના જીઝસ ક્રાઇસ્ટ સાથે કરી રહી છે, આ બિલકુલ અનુચિત છે, કૉન્ગ્રેસ આ સ્તર સુધી નીચે ઊતરી આવી છે.
કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે ‘કેરલા કૉન્ગ્રેસનું સોશ્યલ મીડિયા હૅન્ડલ કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ અથવા અર્બન નક્સલીઓ દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ રાષ્ટ્રીય નેતાઓ વિશે આવી અપમાનજનક પોસ્ટ કરે છે. શું ખડગે અને રાહુલ ગાંધી પણ આના સમર્થનમાં છે?’
વિવાદ વધી જતાં કેરલા કૉન્ગ્રેસે સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું કે ‘કોઈ પણ ધર્મનું અપમાન કરવું અમારી પરંપરાનો હિસ્સો નથી. કોઈ પણ કૉન્ગ્રેસ કાર્યકર પોપનું અપમાન કરવાનું દૂર-દૂર સુધી વિચારી શકતો નથી. દુનિયાભરના ખ્રિસ્તીઓ માટે તેઓ ભગવાનતુલ્ય છે.’
જોકે કૉન્ગ્રેસે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવામાં એને કોઈ ખચકાટ નથી, કારણ કે તેઓ ખુદને ભગવાન બતાવીને આ દેશના આસ્થાવાનોનું અપમાન કરે છે. જોકે આ પોસ્ટથી કોઈ ખ્રિસ્તીની લાગણી દુભાઈ છે તો અમે બિનશરતી માફી માગીએ છીએ.’