કેદારનાથના શ્રદ્ધાળુઓની વધી મુશ્કેલીઓ, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

02 May, 2023 03:23 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Online Correspondent

શ્રદ્ધાળુઓને જ્યાં છે ત્યાં જ રહેવાનો આદેશ અપાયો

આ વર્ષે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા તે સમયની તસવીર

ભારતીય હવામાન વિભાગ (IMD)એ કેદારનાથ ધામ (Kedarnath Dham) માર્ગ પર ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે શ્રદ્ધાળુઓ ચિંતામાં મુકાઈ ગાય છે. તેમને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કેદારનાથ ધામની યાત્રા શરુ થઈ છે ત્યાં જ મુસીબતો પણ શરુ થઈ છે. આગામી દિવસોમાં આ માર્ગ પર વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. રુદ્રપ્રયાગ જિલ્લાના મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કેદારનાથ ધામમાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે અને કહ્યું છે કે, ‘જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓએ એક જગ્યાએ રોકાવું જોઈએ અને વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ. તમામ તીર્થયાત્રીઓએ તેમની સલામતીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને રાજ્ય સરકાર અને જિલ્લાના અધિકારીઓએ તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સરકાર અને જીલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાને અનુસરીને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપો.’

આ પણ વાંચો – કેદારનાથ ધામમાં ૩૦ એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન અટકાવાયું

અત્યારે કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને યાત્રાને નિયંત્રિત કરવામાં આવી રહી છે. સોનપ્રયાગથી સવારના ૧૦.૩૦ વાગ્યા પછી મુસાફરોને કેદારનાથ જવાની મંજૂરી નથી. જ્યારે હવામાન સારું હોય ત્યારે જ યાત્રાળુઓ કેદારનાથની યાત્રા શરૂ કરે તેવી અપેક્ષા છે.

એક સત્તાવાર નિવેદન અનુસાર, આ અઠવાડિયે કેદારઘાટીમાં હવામાન ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના એલર્ટ પર રાજ્ય સરકારે હાલમાં કેદારનાથ ધામ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે.

આ પણ જુઓ – ચાલો ફરવાઃ એ દિવસે પશુનો અવાજ ન આવ્યો હોત તો કેદારનાથ મંદિર અહીં બન્યું હોત – કેદારકંઠા ટ્રેક ભાગ ૩

અગાઉ, હવામાન વિભાગ દ્વારા ૨૯ એપ્રિલ સુધી હિમવર્ષા અને વરસાદની આગાહીને કારણે રાજ્ય સરકારે રવિવારે કેદારનાથ માટે તીર્થયાત્રીઓની નોંધણી ૩૦ એપ્રિલ સુધી અટકાવી દીધી હતી. જ્યારે ઋષિકેશ, ગૌરીકુંડ, ગુપ્તકાશી અને સોનપ્રયાગ સહિત અનેક સ્થળોએ મુસાફરોને ત્યાં જ રોકાવાનું કહેવામાં આવ્યું હતું.

national news char dham yatra kedarnath indian meteorological department