કેદારનાથથી ગુપ્તકાશી જતું હેલિકૉપ્ટર તૂટી પડ્યું ૭ જણના જીવ ગયા

16 June, 2025 07:42 AM IST  |  Kedarnath | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડમાં યાત્રાળુઓનું હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ગયું : ૭ જણના જીવ ગયા, ૨૩ મહિનાની બાળકી સહિતની ત્રણ વ્યક્તિઓ મહારાષ્ટ્રની : સવારે ૫.૨૦ વાગ્યે બની આ દુર્ઘટના : મહારાષ્ટ્રના યવતમાળનાં પતિ-પત્ની અને તેમની બે વર્ષની દીકરીનાં મૃત્યુ

હૅલિકૉપ્ટર જ્યાં ક્રૅશ થયું એ સ્પૉટ પર નૅશનલ ​અને ​સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો.

મહારાષ્ટ્રના યવતમાળના ઇન્ડસ્ટ્રિયલિસ્ટના પરિવારના ત્રણ મેમ્બર સામેલ, આજ સુધી કેદારનાથ માટે હેલિકૉપ્ટર-સર્વિસ બંધ રાખવાનો આદેશ

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામથી ગુપ્તકાશી આવી રહેલું આર્યન એવિયેશનનું એક હેલિકૉપ્ટર ગઈ કાલે સવારે ૫.૨૦ વાગ્યાની આસપાસ ગૌરીકુંડનાં જંગલોમાં ક્રૅશ થતાં પાઇલટ અને બે વર્ષની બાળકી સહિત ૭ જણે જીવ ગુમાવ્યો હતો. ૩૯ વર્ષના પાઇલટ રાજવીર સિંહ ચૌહાણ રાજસ્થાનના જયપુરના રહેવાસી હતા. તેમને વિવિધ ક્ષેત્રોમાં ઉડ્ડયન મિશનનો વ્યાપક અનુભવ હતો.

અકસ્માતસ્થળ ગૌરીકુંડથી લગભગ પાંચ કિલોમીટર ઉપર સ્થિત છે, જે ગૌરી માઈ ખાર્ક તરીકે ઓળખાય છે. આર્યન એવિયેશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકૉપ્ટર કેદારઘાટીમાં ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે ક્રૅશ થયું હતું. એમાં આગ લાગી ગઈ હતી. ખરાબ હવામાનને કારણે ઝીરો વિઝિબિલિટીને કારણે આ અકસ્માત થયો હતો.

ઉત્તરાખંડ

 

હેલિકૉપ્ટર ક્રેશમાં બદ્રીનાથ કેદારનાથ ટેમ્પલ કમિટી (BKTC)ના ૪૭ વર્ષના કર્મચારી વિક્રમ રાવતનું પણ મૃત્યુ થયું છે.

DNA ટેસ્ટથી ઓળખ થશે

ક્રૅશ બાદ લાગેલી આગના કારણે તમામ લોકોના સળગી જવાને કારણે મૃત્યુ થયાં હોવાથી મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે. ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ દ્વારા તેમની ઓળખ નક્કી કરવામાં આવશે એ પછી જ પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે.

જાયસવાલ પરિવાર.

અઠવાડિયાંમાં પાંચ દુર્ઘટના

કેદારનાથ ધામનાં કપાટ ખૂલ્યાંનાં ૬ અઠવાડિયાંમાં આ પાંચમી દુર્ઘટના છે. અત્યાર સુધીમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. અગાઉ ૭ જૂને કેદારનાથ જઈ રહેલું હેલિકૉપ્ટર ટેકઑફ બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં હાઇવે પર ઊતરી ગયું હતું. એ ખતરનાક રીતે મકાનોની નજીક આવી ગયું હતું અને એનું ટેઇલ રોટર પાર્ક કરેલી કાર પર પડ્યું હતું. એમાં સવાર પાંચ યાત્રાળુઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે પાઇલટને નાની ઈજાઓ થઈ હતી.

આજ સુધી હેલિકૉપ્ટર બંધ

આ દુર્ઘટનાના કારણે ચારધામ યાત્રા હેલિકૉપ્ટર સર્વિસ પર સોમવાર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં હેલી સેવાઓના સંચાલન માટે એક કડક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવી જોઈએ જેમાં હેલિકૉપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ ફરજિયાત બનાવવી જોઈએ. હેલી સર્વિસ પહેલાં હવામાનની સ્થિતિની પણ તપાસ કરવી જોઈએ. મુખ્ય સચિવને ટેક્નિકલ નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જે હેલી કામગીરીનાં તમામ તક્નિકી અને સલામતી પાસાંઓની સંપૂર્ણ સમીક્ષા કરીને SOP તૈયાર કરશે. સમિતિ ખાતરી કરશે કે હેલી સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સલામત, પારદર્શક અને નિર્ધારિત ધોરણો અનુસાર છે.’

મહારાષ્ટ્રના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

હેલિકૉપ્ટર ક્રૅશમાં મહારાષ્ટ્રના યવતમાળના એક દંપતી અને તેમની બે વર્ષની પુત્રીએ જીવ ગુમાવ્યો હતો; ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ૪૧ વર્ષના રાજકુમાર જાયસવાલ, તેમની ૩૫ વર્ષની પત્ની શ્રદ્ધા અને ૨૩ મહિનાની પુત્રી કાશીનું મૃત્યુ થયાં હતાં. જાયસવાલ પરિવાર ૧૨ જૂને યવતમાળથી કેદારનાથ દર્શને રવાના થયો હતો. રાજકુમાર જાયસવાલનો પુત્ર વિવાન ઘરે દાદા સાથે રહેતાં તે બચી ગયો હતો.

પાઇલટ મહિના પહેલાં ટ્વિન્સના પિતા બન્યા હતા

રાજવીર સિંહે આર્મીમાં ૧૫ વર્ષ કામ કર્યું હતું અને તેઓ લેફ્ટનન્ટ કર્નલ હતા. થોડા મહિના પહેલાં તેઓ આર્યન કંપનીમાં એવિયેશન પાઇલટ તરીકે જોડાયા હતા. ૬ મહિના પહેલાં તેઓ જોડિયાં બાળકોના પિતા બન્યા હતા. તેમના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

જીવ ગુમાવનારા લોકોની યાદી

૧. વિક્રમ રાવત (૪૬), ઉત્તરાખંડ

૨. વિનોદ દેવી (૬૬), ઉત્તર પ્રદેશ

૩. તુસ્તી સિંહ (૧૯), ઉત્તર પ્રદેશ

૪. રાજકુમાર સુરેશ જાયસવાલ (૪૧), મહારાષ્ટ્ર

૫. શારદા રાજકુમાર જાયસવાલ (૩૫), મહારાષ્ટ્ર

૬. કાશી (૨૩ મહિના) મહારાષ્ટ્ર

૭. કૅપ્ટન રાજવીર સિંહ ચૌહાણ (39) રાજસ્થાન

kedarnath uttarakhand national news news helicopter crash