06 March, 2025 09:38 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
૯ કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં
કેન્દ્ર સરકારે ગઈ કાલે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ રોપવે અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. કેદારનાથ ધામ રોપવે સોનપ્રયાગથી કેદારનાથ સુધી બાંધવામાં આવશે અને એની પાછળ ૪૦૮૧.૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રોપવે તૈયાર થયા બાદ આખું વર્ષ કેદારનાથ ધામ અને સોનપ્રયાગ જોડાયેલા રહેશે.
ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીના ૧૬ કિલોમીટરના દુર્ગમ
રસ્તાને પાર કરવામાં હાલમાં ભાવિકોને નવથી ૧૦ કલાક લાગે છે. ૧૬ કિલોમીટરની આ યાત્રા કઠિન છે અને એમાં સીધી ચડાઈ પણ છે. હાલમાં પગપાળા, પાલખી, ટટ્ટુ અને હેલિકૉપ્ટરથી આ યાત્રા પૂરી કરવામાં આવે છે; પણ હવે રોપવેમાં માત્ર ૩૬ મિનિટમાં આ યાત્રા પૂરી થશે. રોપવેની લંબાઈ ૧૨.૯ કિલોમીટરની રહેશે અને એક વારમાં એકસાથે ૩૬ ભાવિકો પ્રવાસ કરી શકશે. દર કલાકે ૧૮૦૦ અને એક દિવસમાં ૧૮,૦૦૦ ભાવિકોને એમાં કેદારનાથ લઈ જવામાં આવશે. કેદારનાથમાં બનાવવામાં આવનારો રોપવે સૌથી ઍડ્વાન્સ્ડ ટ્રાઇ કેબલ ડિટૅચેબલ ગોંડોલા ટેક્નિકવાળો હશે.
ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ વચ્ચે પણ ૧૨.૪ કિલોમીટર રોપવે બાંધવામાં આવશે
ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ વચ્ચેના રોપવે પર ૨૭૩૦.૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એમાં દર કલાકે ૧૧૦૦ અને રોજ ૧૧,૦૦૦ ભાવિકોને લઈ જવામાં આવશે. હેમકુંડ સાહિબ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે અને સમુદ્રની સપાટીથી ૧૫,૦૦૦ ફુટની ઊંચાઈ પર આવેલું સિખોનું ધાર્મિક સ્થળ છે. અહીંના ગુરુદ્વારાને વર્ષમાં પાંચ મહિના માટે ખોલવામાં આવે છે અને દર વર્ષે આશરે બે લાખ ભાવિકો દર્શનાર્થે આવે છે.