01 February, 2026 09:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કઠુઆ રેલવે-સ્ટેશન
કઠુઆ રેલવે-સ્ટેશન હવે શહીદ કૅપ્ટન સુનીલકુમાર ચૌધરી કઠુઆ રેલવે-સ્ટેશન તરીકે ઓળખાશે. આ નિર્ણય રાષ્ટ્રના બહાદુર પુત્ર, શહીદ કૅપ્ટન સુનીલકુમાર ચૌધરીના બલિદાનને માન આપવા માટે લેવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના નિર્દેશ પર સામાન્ય વહીવટ વિભાગે શુક્રવારે આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો હતો. સ્થાનિક લોકો અને સંબંધીઓ લાંબા સમયથી સ્ટેશનનું નામ બદલવાની માગણી કરી રહ્યા હતા. લોકો ઇચ્છતા હતા કે જેમ ઉધમપુર રેલવે-સ્ટેશનનું નામ બદલીને શહીદ કૅપ્ટન તુષાર મહાજનના નામ પર રાખવામાં આવ્યું છે એમ કઠુઆનું નામ પણ સુનીલકુમાર ચૌધરીના નામ પર રાખવામાં આવે, જેથી જ્યારે પણ કોઈ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે ત્યારે શહીદ સુનીલકુમાર ચૌધરીનું નામ તેમની જીભ પર રહે. હવે સરકારે આને મંજૂરી આપી દીધી છે.
કૅપ્ટન સુનીલકુમાર ચૌધરીનો જન્મ ૧૯૮૦ની બાવીસ જૂને કઠુઆ નજીકના ગોવિંદસર ગામમાં એક લશ્કરી પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા અને લેફ્ટનન્ટ કર્નલ પી. એલ. ચૌધરી અને સત્ય ચૌધરીના પુત્ર હતા. સુનીલકુમાર ચૌધરીના પિતા નિવૃત્ત કર્નલ છે. બીજો ભાઈ અંકુર ચૌધરી વાયુસેનામાં વિંગ કમાન્ડર છે. સુનીલ ચૌધરીએ માસ્ટર ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) પૂરું કર્યા પહેલાં જ સેનામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેમણે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિસની પરીક્ષા પાસ કરીને ૨૦૦૩ની પહેલી જુલાઈએ ભારતીય લશ્કરી ઍકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો.
મેડલ મળ્યાના બીજા દિવસે શહીદ તેમને ૨૦૦૪ના ડિસેમ્બરમાં ૧૧ ગોરખા રાઇફલ્સ રેજિમેન્ટની ૭/૧૧ ગોરખા રાઇફલ્સ બટૅલ્યનમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની પહેલી પોસ્ટિંગ કલકત્તાના ફોર્ટ વિલિયમ ખાતે ૭/૧૧ ગોરખા રાઇફલ્સમાં હતી. ૨૦૦૮ની ૨૬ જાન્યુઆરીએ કૅપ્ટન સુનીલકુમાર ચૌધરીને આસામના તિનસુકિયા જિલ્લાના નાઓપથર ગામમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામના આતંકવાદીઓ સામેના ઑપરેશન દરમ્યાન દેખાડેલી બહાદુરી બદલ સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. બીજા દિવસે ૨૦૦૮ની ૨૭ જાન્યુઆરીએ કૅપ્ટન સુનીલકુમાર એક ઔપચારિક લંચમાં હાજરી આપવાના હતા. આ સમય દરમ્યાન તેમને આતંકવાદીઓ વિશે માહિતી મળી અને તેઓ સાથીઓ સાથે તેમનો સામનો કરવા ગયા હતા. તેમણે આ પ્રક્રિયામાં પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
આ નિર્ણય માટે હું લેફ્ટનન્ટ ગવર્નર સહિત બધાનો આભારી છું જેમણે મારા પુત્રનું નામ કઠુઆના પ્રવેશદ્વાર સાથે જોડ્યું છે. આ જાણીને મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છે. હું ઇચ્છું છું કે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર દરેક બહાદુર સૈનિકને એવું સન્માન મળે કે તે યુવાનોને પ્રેરણા આપે અને રાષ્ટ્રમાં આત્મબલિદાનની ભાવના જગાડે. મને પહેલેથી જ મારા પુત્રના બલિદાન પર ગર્વ હતો. આ ગર્વ વધ્યો છે. ફક્ત મને જ નહીં, કઠુઆ શહેરના લોકોને પણ આનો ગર્વ થશે. - સુનીલકુમાર ચૌધરીના પિતા નિવૃત્ત કર્નલ પી. એલ. ચૌધરી