Karnataka News: ૧૦ હજારની શરત જીતવા નીટ દારૂની આટલી બધી બોટલ ગટકાવી ગયો શખ્સ કે એનો જીવ જ જતો રહ્યો

02 May, 2025 10:18 AM IST  |  Karnataka | Gujarati Mid-day Online Correspondent

Karnataka News: મિત્રો તેને કોલાર જિલ્લાના મુલબાગલની એક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

Karnataka News: કર્ણાટકમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિનું વિચિત્ર વર્તન જાણવા મળ્યું છે. એક યુવકે દસ હજાર રૂપિયાની શરત જીતવાની લ્હાયમાં ને લ્હાયમાં પોતાનું જીવન રોળી નાખ્યું છે. ૨૧ વર્ષના આ શખ્સે સોડા કે પાણી ભેળવ્યા વગર પાંચ બોટલ દારૂ ગટગટાવી નાખી હતી. જેને પગલે એની હાલત બગડી જવા પામી હતી. ત્યારબાદ આ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે પોલીસે આ શખ્સની સાથે જે અન્ય વ્યક્તિએ શરત લગાડી હતી તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મુદ્દે બે આરોપીને દબોચી લેવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર કાર્તિક તેના મિત્રો વેંકટ રેડ્ડી, સુબ્રમણ્ય અને અન્ય ત્રણ લોકો સાથે ક્યાંક ટહેલી રહ્યો હતો. ત્યારે કાર્તિકે તેના આ મિત્રોને બડાઇ મારતાં કહ્યું કે તે પોતે પાણી ભેળવ્યા વિના પણ પાંચ બોટલ દારૂ ગટગટાવી શકે છે. (Karnataka News) કાર્તિકની વાત સાંભળ્યા બાદ વેંકટ રેડ્ડીએ તેને કહ્યું કે ખરેખર જો તું આવું કરી બતાવે તો તેને દસ હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે.

Karnataka News: પછી તો શું આ કાર્તિકભાઈ ૧૦ હજારના ચક્કરમાં ભેરવાઈ ગયા. તે દારૂની બોટલ પીવા માટે તૈયાર થયો. દારૂની બોટલો લાવવામાં આવી અને કાર્તિકે પાણી ઉમેર્યા વગર જ દારૂ ગટગટાવવાની શરૂઆત કરી. એ પીતો જ ગયો પીતો જ ગયો.... દારૂ પૂરો થયો ત્યાં સુધી તેણે ગટકાવ્યે જ રાખ્યો. આખરે આટલો બધો હદ કરતાં વધારે શરાબ પી લેવાને કારણે કાર્તિકની હાલત લથડી ગઈ. 

પછી તેના મિત્રો તેને કોલાર જિલ્લાના મુલબાગલની એક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. રિપોર્ટ અનુસાર, કાર્તિકના લગ્ન માત્ર એક વર્ષ પહેલા થયા હતા અને માત્ર આઠ દિવસ પહેલા જ તે એક બાળકનો પિતા પણ બન્યો હતો.

સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી (Karnataka News) અનુસાર નાંગલી પોલીસ સ્ટેશનમાં વેંકટ રેડ્ડી અને સુબ્રમણ્યમ સહિત છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દર વર્ષે લગભગ 2.6 મિલિયન લોકો દારૂના સેવનથી મૃત્યુ પામે છે, જે વૈશ્વિક મૃત્યુના 4.7 ટકા છે. તે ઉપરાંત WHO દ્વારા એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે દારૂનું થોડું અમથું પણ સેવન કરવામાં આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી જ. આ બાબતે સંગઠનના નવા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અત્યાર સુધી થયેલા સંશોધન મુજબ ઓછી માત્રામાં પણ દારૂ પીવાની મંજૂરી તો આપી શકાય જ નહીં.

national news karnataka bengaluru Crime News india