મહારાષ્ટ્ર સાથે બૉર્ડરનો વિવાદ બન્યો પ્રતિષ્ઠાનો પ્રશ્ન, કર્ણાટકે લીગલ ટીમની રોજની ફી ૫૯.૯ લાખ નક્કી કરી

25 January, 2023 11:14 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કર્ણાટક સરકારે મુકુલ રોહતગી સહિતના સિનિયર વકીલોની ટીમ તૈયાર કરી

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર

બૅન્ગલોર (પી.ટી.આઇ.) : કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રની સાથે બૉર્ડરના વિવાદને સંબંધિત કેસ લડવા માટે મુકુલ રોહતગી સહિતના સિનિયર વકીલોની ટીમ માટે એક દિવસની 
૫૯.૯ લાખ રૂપિયાની પ્રોફેશનલ ફી નક્કી કરી છે. 

કાયદા વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કર્ણાટક સરકારે બૉર્ડરના વિવાદ પર કર્ણાટકની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા ઑરિજિનલ દાવા (નંબર ૪/૨૦૦૪)માં સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવા માટે લીગલ ટીમ માટે નિયમો અને શરતો તેમ જ પ્રોફેશનલ ફી નક્કી કરી છે. 

૧૮મી જાન્યુઆરીના આ આદેશ અનુસાર સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીને સુપ્રીમ કોર્ટમાં હાજર થવા બદલ રોજના ૨૨ લાખ રૂપિયા, જ્યારે કૉન્ફરન્સ અને અન્ય કામગીરી માટે રોજના ૫.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. એક અન્ય વકીલ શ્યામ દીવાનને અદાલતમાં હાજર થવા બદલ રોજના ૬ લાખ રૂપિયા, કેસની તૈયારી અને અન્ય કામ માટે રોજના દોઢ લાખ રૂપિયા તેમ જ બીજા શહેર-રાજ્યની મુલાકાત માટે રોજના દસ લાખ રૂપિયા આપવામાં આવશે. હોટેલની સુવિધાઓ તેમ જ બિઝનેસ ક્લાસના ઍર-ટ્રાવેલનો ખર્ચ પણ સરકાર ઉપાડશે. રાજ્ય સરકારે કર્ણાટકના ભૂતપૂર્વ ઍડ્વોકેટ જનરલ ઉદય હોલ્લાને પણ હાયર કર્યા છે. જેમને સુપ્રીમ કોર્ટમાં હાજર થવા બદલ રોજના બે લાખ રૂપિયા, જ્યારે આ કેસની તૈયારીઓ માટે રોજના ૭૫,૦૦૦ રૂપિયા, લેખિત સ્ટેટમેન્ટ્સ અને અન્ય કામગીરી માટે રોજના દોઢ લાખ રૂપિયા તેમ જ શહેર-રાજ્ય બહારની વિઝિટ માટે રોજના દોઢ લાખ રૂપિયાની ફી અપાશે તેમ જ હોટેલ અને ટ્રાવેલનો ખર્ચ પણ સરકાર ઉપાડશે. 

national news bengaluru supreme court karnataka maharashtra