24 August, 2025 12:28 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
ફરિયાદીની ધરપકડ
કર્ણાટકના એક ગામમાં સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં વ્હિસલબ્લૉઅર હોવાનો દાવો કરનાર ફરિયાદીની ધરપકડ સાથે ધર્મસ્થલા સામૂહિક દફન કેસમાં અણધાર્યો વળાંક આવ્યો હતો. ફરિયાદી સી. એન. ચિન્નૈયા ઉર્ફે ચેન્નાની શપથ લઈને ખોટું બોલવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે નિર્દેશ આપ્યો હતો કે ચેન્નાના દાવા ખોટા અને બનાવટી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમ્યાન સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને ચેન્નાની વાતો પર ખાતરી થઈ નહોતી. એનાં તારણો પર આધારિત પૂછપરછ દરમ્યાન SITને જાણવા મળ્યું હતું કે તે જૂઠું બોલી રહ્યો છે. એણે તેનું સાક્ષી-રક્ષણ કાઢી નાખ્યું અને ખોટી જુબાની આપવા બદલ તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે ચેન્નાને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો હતો.
આ કેસ સાથે જોડાયેલા બીજા એક ચોંકાવનારા યુ-ટર્નમાં સુજાતા ભટ નામની એક મહિલાએ ધર્મસ્થલામાં તેની પુત્રી અનન્યા ભટ ગુમ થઈ હોવાનો પોતાનો દાવો પાછો ખેંચી લીધો છે.
જુલાઈમાં ચેન્નાએ ખોપરી સાથે પોલીસ-સ્ટેશનમાં પ્રવેશ કરીને દાવો કર્યો હતો કે તેણે દક્ષિણ કન્નડ જિલ્લાના એક ગામમાં સેંકડો મૃતદેહોને દફનાવવામાં મદદ કરી હતી જેમાં જાતીય શોષણનો ભોગ બનેલી યુવતીઓના મૃતદેહોનો સમાવેશ થાય છે.