26 July, 2026 08:04 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત પછી દિલ્હીના જંતરમંતર પર ઉજવણી કરતા આંદોલનકારીઓ.
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલું આંદોલન સમેટાઈ ગયું છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માગણી સંતોષાઈ જતાં દિલ્હી પોલીસના અધિકારીઓએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આંદોલનકારીઓને સ્થળ ખાલી કરવાની અપીલ કરી હતી. કોઈ સુરક્ષાનો ભંગ ન થાય એ માટે વરિષ્ઠ પોલીસ-અધિકારીઓની આગેવાની હેઠળ ભીડને નિયંત્રિત કરીને રસ્તાઓ ખુલ્લા કરાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય શિક્ષણપ્રધાનના રાજીનામા અને સરકાર સાથેની મંત્રણા સફળ રહ્યા બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવતાં દિલ્હીના જંતરમંતર ખાતે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે સરકારે તમામ પ્રમુખ માગણીઓ સ્વીકારી લીધી હોવાથી સદ્ભાવનાના આધારે આ આંદોલન સમેટવામાં આવે છે. તેમણે તમામ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે ઘર તરફ પાછા ફરવાની અપીલ કરી હતી.
આ જાહેરાત બાદ જંતરમંતર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી હતી. વિરોધ-પ્રદર્શનને કારણે બંધ કરાયેલાં દિલ્હી મેટ્રોનાં તમામ સ્ટેશનો પણ જનતા માટે ફરી ખોલી દેવાયાં હતાં. દિલ્હી પોલીસ દ્વારા રસ્તાઓ પર લગાવેલાં બૅરિકેડિંગ હટાવવાની કામગીરી ઝડપથી ચાલુ કરી દેવામાં આવી હતી.
સ્થળ પરથી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ પોતાનો સામાન સમેટીને પાછા ફરતા જોવા મળ્યા હતા. જોકે મંચ પરથી ઘર તરફ જવા માટે સતત વારંવાર અપીલ કરવામાં આવી રહી હોવા છતાં હજી પણ કેટલાક લોકો સ્થળ પર પહોંચી રહ્યા હતા.
એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા આ વિરોધ-પ્રદર્શન, ટ્રાફિક-ડાયવર્ઝન અને મેટ્રો સ્ટેશનો બંધ રહેવાને કારણે જંતરમંતર માર્કેટ અને કનૉટ પ્લેસના વેપારીઓને છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી નબળો વેપાર નોંધાયો હતો. હવે આંદોલન પૂરું થતાં અને બંધ કરાયેલાં મેટ્રો સ્ટેશનો ફરી શરૂ થતાં સ્થાનિક વેપારીઓ તથા પ્રવાસીઓમાં સુવિધાઓ સામાન્ય થવાની આશા બંધાઈ છે.