03 June, 2025 09:11 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનના પાલીમાં ગઈ કાલે નીકળેલી જૈનોની રૅલી, ધરણામાં જોડાયેલાં સાધ્વીજી મહારાજસાહેબ અને જૈનો.
રાજસ્થાનના પાલી જૈન સંઘ દ્વારા ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે સાધુસંતો સાથે હજારોની સંખ્યામાં જૈનોએ ‘હમ હમારા ન્યાય માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે’, ‘ગલતી માફ કી જા સકતી હૈ, અપરાધ નહીં’ જેના નારાનાં પ્લૅકાર્ડ સાથે નવલખા તીર્થથી પાલી કલેક્ટર ઑફિસ સુધી એક રૅલી યોજવામાં આવી હતી. આ રૅલી કલેક્ટર ઑફિસની સામે ધરણામાં પરિવર્તિત થઈ ગઈ હતી. ત્યાર બાદ જૈન સમાજ તરફથી જૈનાચાર્ય પુંડરિકસ્વામી મહારાજસાહેબના અકસ્માત માટે દોષી ડ્રાઇવરની તાત્કાલિક ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધવાની માગણી કરવામાં આવી હતી. જૈન સમાજે કલેક્ટરની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનને પણ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું.
‘ગલતી માફ કી જા સકતી હૈ, અપરાધ નહીં’ના પ્લૅકાર્ડ સાથે યુવાનો.
રાજમાર્ગો પર ફુટપાથ બાંધો
પાલી જૈન સંઘના સેક્રેટરી ઓમ છાજેડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશના બધા જ રાજમાર્ગો પર સાધુસંતો અને શ્રદ્ધાળુઓને ચાલવા માટે ઓછામાં ઓછી ત્રણ ફીટ પહોળી અને એક ફીટ ઊંચી ફુટપાથ બનાવવામાં આવે તેમ જ ડ્રાઇવરો ટ્રૅફિકના બધા જ નિયમોનું કડક પાલન કરે એ સુનિશ્ચિત કરવામાં આવે. આ ફક્ત ગુરુદેવની સ્મૃતિ માટે નહીં, પણ ભારતની સડકો પર ચાલનારા દરેકના જીવનની સુરક્ષા અને ગરિમા માટે છે. આ ગંભીર વિષય પર તાત્કાલિક નિર્ણય લઈને પગલાં લેવામાં આવે.’