09 August, 2021 09:01 AM IST | Mussoorie | Gujarati Mid-day Correspondent
દીક્ષાએ ગઈ કાલે મસૂરીમાં કૉમ્બેટ અધિકારી તરીકેની પદવી મેળવ્યા બાદ પિતાએ તેને સૅલ્યૂટ કર્યું હતું. તેમના પરિવારનું ગૌરવ વધી ગયું છે. બીજી મહિલા ઑફિસર બિહારની પ્રકૃતિ રાયને પણ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ અસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકેની રૅન્ક એનાયત કરી હતી. (તસવીરઃ પી.ટી.આઇ.)
થોડા સમય અગાઉ પહેલી વાર દીક્ષા અને પ્રકૃતિ નામની જે બે મહિલા લશ્કરી અધિકારીઓને કૉમ્બેટ (યુદ્ધના મોરચે સરહદ પર) ગોઠવવા માટેની તાલીમ આપવાની શરૂઆત કરાઈ હતી એ મહિલા અધિકારીઓએ સફળતાપૂર્વક ટ્રેઇનિંગ પૂરી કરી છે અને તેમની ગઈ કાલે ભારતીય લશ્કરની સૌપ્રથમ બે મહિલા કૉમ્બેટ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી) દળે ગઈ કાલે આ બે મહિલા ઑફિસરોની સત્તાવાર ભરતી કરી હતી.
આઇટીબીપીની ઍકૅડેમીએ યોજેલી તાલીમમાં કુલ ૫૩ અધિકારીઓ પાસ થયા હતા અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓએ પરેડમાં ભાગ લીધો હતો. આ સમારંભમાં બે મહિલા અધિકારીઓને અર્ધલશ્કરી દળમાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકેની રૅન્ક એનાયત કરાઈ હતી.
દીક્ષાના પિતા કમલેશકુમાર આઇટીબીપીમાં ઇન્સ્પેક્ટર છે, જ્યારે પ્રકૃતિના પિતા ભારતીય હવાઈ દળમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. દીક્ષાએ કહ્યું હતું કે ‘મારા પિતા મારા રોલ મૉડલ છે. હું કોઈનાથી પણ ઊણી ઊતરું એવી નથી, એવું તેઓ સતતપણે માને છે.’
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર્સ ડિગ્રી ધરાવતી બિહારની પ્રકૃતિ રાયે કહ્યું હતું કે ‘લશ્કરી દળમાં જીવન ખૂબ જ ટફ બની જાય, પરંતુ એ જ જીવન પડકારરૂપ અને રોમાંચિત પણ હોય જ.’
આ બે મહિલા અધિકારીઓ સહિતના કુલ ૪૨ ઑફિસરોને ચીન સાથેની સરહદ (લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર તેમ જ છત્તીસગઢમાં નક્સલવાદ-વિરોધી કાર્યવાહીમાં મોકલવામાં આવશે.