✕

ઈરાન: ૧૯ વર્ષીય ગર્ભવતી યુવતીને માતા-પિતાએ ૩૦ ગોળીઓ ગળવા મજબૂર કરી મારી નાખી

25 November, 2026 04:30 PM IST  |  Tehran | Gujarati Mid-day Online Correspondent

ગોળીઓ ખાધા પછી પણ જ્યારે હેલિયા જીવિત રહી, ત્યારે તેના માતા-પિતાએ કથિત રીતે તેને મારવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ તેમણે તેના ચહેરા પર ઓશીકું દબાવીને તેનો શ્વાસ રૂંધી નાખ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. પોલીસે બન્નેને કસ્ટડીમાં લીધા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઈરાનમાં કથિત `ઓનર કિલિંગ`નો એક કિસ્સો સામે આવ્યો છે.  ૧૯ વર્ષીય ગર્ભવતી યુવતીની તેના જ માતા-પિતા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. આ યુવતી બે મહિનાની ગર્ભવતી હતી અને તેણે પોતાના પરિવારને આ અંગે જાણ કરી હતી, જેના પગલે તેના માતા-પિતાએ કથિત રીતે આ કૃત્ય કર્યું. આ ઘટના પશ્ચિમ ઈરાનના સનંદજ શહેરમાં બની હતી. આ ઘટના સામે આવ્યા બાદ માનવ અધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. મૃતક યુવતીની ઓળખ હેલિયા ફત્તાહી તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, એક યુવક સાથેના સંબંધને કારણે તે ગર્ભવતી બની હતી. તેણે ગયા અઠવાડિયે પોતાના પરિવારને આ વિશે જાણ કરી હતી, ત્યારબાદ તેના માતા-પિતાએ કથિત રીતે તેની સાથે હિંસા કરી હતી. પોલીસે આ કેસના સંબંધમાં તેના પિતા વોરિયા ફત્તાહી અને માતા લેલા વેઈસની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન, બન્નેએ ગુનો કબૂલી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

૩૦ ગોળીઓ ગળવા માટે મજબૂર કરી

માનવ અધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવાર, ૨૧ નવેમ્બરના રોજ બની હતી. તે પહેલાં, માતા-પિતા પોતાની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કોર્ટમાં ગયા હતા. કોર્ટમાંથી ઘરે પરત ફર્યા બાદ, તેમણે કથિત રીતે હેલિયાને આશરે ૩૦ `ઍન્ટિકન્વલ્સન્ટ` (આંચકી રોકવા માટેની ગોળીઓ જે સામાન્ય રીતે મિરગીની સારવારમાં વપરાય છે) તે ગળવા માટે મજબૂર કરી હતી. ગોળીઓ ખાધા પછી પણ જ્યારે હેલિયા જીવિત રહી, ત્યારે તેના માતા-પિતાએ કથિત રીતે તેને મારવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ તેમણે તેના ચહેરા પર ઓશીકું દબાવીને તેનો શ્વાસ રૂંધી નાખ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. પોલીસે બન્નેને કસ્ટડીમાં લીધા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

માનવ અધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી

`હેંગાવ ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ` અને `હાના હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન`એ આ ઘટનાને કથિત `ઓનર કિલિંગ` ગણાવી છે. બન્ને સંગઠનોએ ઈરાનમાં મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલું હિંસા અને તેમના રક્ષણ માટેના કાયદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હેંગાવ સંગઠને જણાવ્યું છે કે ઈરાનમાં મહિલાઓ અને બાળકોને ઘરેલું હિંસાથી બચાવવા માટે અસરકારક કાયદાઓનો અભાવ છે. સંસ્થાએ મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા માટે મજબૂત કાયદાકીય સુરક્ષા અને અસરકારક પગલાંની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો છે.

iran murder case jihad Crime News international news