28 December, 2023 09:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે દેશની બહાર ૨૨૮૪ કરોડ રૂપિયા મોકલવાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ બદલ સુરતસ્થિત એક એલએલપી ફર્મ અને એની સાથે સંકળાયેલી કંપનીઓનાં પ્રિમાઇસિસમાં રિસન્ટલી એણે સર્ચ ઑપરેશન પાર પાડ્યું હતું.
સુરત સેઝ (સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન)માં સ્થિત શરણમ જ્વેલ્સ એલએલપી અને એના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિકનાં લોકેશન્સ તેમ જ ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં તેમ જ આસામમાં ધુબ્રિમાં આશિક પટેલ અને અન્ય કેટલાક લોકોની પ્રોપ્રાઇટરીશિપ ફર્મ વંશ માર્કેટિંગનાં લોકેશન્સ પર ફેમા (ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ)ની જોગવાઈઓ હેઠળ સર્ચ કરવામાં આવ્યું હતું.
વિશ્વસનીય માહિતીના આધારે ઈડીની તપાસ કરવામાં આવી હતી. બાતમી મળી હતી કે આ કંપનીઓ મોટા પાયે ભારતની બહાર ફૉરેન એક્સચેન્જ મોકલવામાં સંડોવાયેલી છે. ખાસ કરીને ઇન્વૉઇસિસના ઇમ્પોર્ટ સેટલમેન્ટ માટેના પેમેન્ટ્સ તરીકે ૨૨૮૪ કરોડ રૂપિયા દેશની બહાર મોકલવામાં આવ્યા હોવાની શંકા થઈ છે.
આ એલએલપી (લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ) ફર્મ જેમ્સ અને જ્વેલરીના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની કામગીરી કરી રહી છે. છેલ્લાં બે વર્ષમાં એણે ૩૭૦૦ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન્સ કર્યાં છે.
ઈડીએ જણાવ્યું હતું કે આ કંપનીએ એની બુક્સ ઑફ અકાઉન્ટ્સમાં ૫૨૦ કરોડ રૂપિયાના મૂલ્યનો ક્લોઝિંગ સ્ટૉક બતાવ્યો છે. જોકે ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું તો માત્ર ૧૯.૭ લાખ રૂપિયાનો જ સ્ટૉક મળ્યો હતો. શરણમ જ્વેલ્સ એલએલપી અને એની સહયોગી કંપની વંશ માર્કેટિંગ માત્ર કાગળ પર રહેલી કંપનીઓની મદદથી હવાલા એન્ટ્રીઝ પાડતા હતા. તેમણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના નામે ટ્રાન્ઝેક્શન્સના જટિલ માળખા દ્વારા જુદા-જુદા લોકો અને કંપનીઓને હવાલાની પાંચ હજાર કરોડથી વધુ રૂપિયાની એન્ટ્રી પાડવામાં મદદ કરી હોવાનો આરોપ છે.