20 September, 2025 09:13 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
સંસ્થા દ્વારા બહાર પડેલું પોસ્ટર સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચા જાગી છે
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આ વર્ષે વિજયાદશમીની પરંપરાને જરાક અલગ રીતે મનાવવામાં આવશે. ‘પૌરુષ’ નામના પુરુષ અધિકાર સંગઠને રાવણના સ્થાને તેની બહેન શૂર્પણખાના પૂતળાનું દહન કરવાનું નક્કી કર્યું છે. વર્ષોથી દશેરાના દિવસે રાવણને બાળવામાં આવે છે, પરંતુ પુરુષ સંગઠન માટે કામ કરતી સંસ્થા ‘પૌરુષ’ સમાજમાં એક નવો વિચાર શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. દહન માટેના પૂતળા પર ૧૧ માથાં જરૂર હશે પણ એ રાવણના નહીં, શૂર્પણખા જેવાં કૃત્યો કરનારી સ્ત્રીઓનાં હશે. છેલ્લા એક વર્ષમાં અનેક મહિલાઓએ અત્યંત ઘાતકી રીતે પતિઓ પર જુલમ ગુજાર્યો હોવાની ઘટના બની છે. ૧૧ માથાના સેન્ટરમાં હશે સોનમ રઘુવંશી જેણે હનીમૂન પર જ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું.
પૌરુષ સંસ્થાના અધ્યક્ષ અશોક દશોરા કહે છે, ‘યુગોથી મહિલાઓએ કરેલા અપરાધોનો દંડ પુરુષોએ ભોગવવો પડ્યો છે. આજે પણ મહિલા દોષી હોવા છતાં સામાજિક અને કાનૂની રીતે પુરુષને જ પ્રતાડિત કરવામાં આવે છે. ત્રેતાયુગમાં શૂર્પણખાના અનૈતિક પ્રસ્તાવને કારણે જ રામ-રાવણનું યુદ્ધ થયું હતું. જ્ઞાની અને શક્તિશાળી રાજા હોવા છતાં રાવણ બહેનની વાતમાં આવી ગયો અને યુદ્ધ થયું. આજના સમયમાં પણ મોટા ભાગના કાયદા મહિલાઓની તરફેણમાં છે.’
શૂર્પણખા દહન એ પુરુષો પર થતા અન્યાયને ઉજાગર કરીને સામાજિક વિચારધારામાં બદલાવ લાવવાનું પ્રતીક છે.