ન પાસપોર્ટ, ન વિઝા, તો પણ આ ઍરલાઇન્સે પ્રવાસીઓને પાર કરવી આંતરરાષ્ટ્રીય સરહદ

14 January, 2024 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી ગુવાહાટી માટે ટેકઓફ થઈ હતી, પરંતુ આ પ્લેન સીધુ બાંગ્લાદેશ (Indigo Flight Emergency Landing) ગયું હતું

પ્રતીકાત્મક તસવીર

કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ હવાઈ સેવાઓને સૌથી વધુ અસર કરી રહી છે. મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટને ગાઢ ધુમ્મસને કારણે જોરદાર ફટકો પડ્યો છે. ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી ગુવાહાટી માટે ટેકઓફ થઈ હતી, પરંતુ આ પ્લેન સીધુ બાંગ્લાદેશ (Indigo Flight Emergency Landing) ગયું હતું. મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટને શનિવારે ગાઢ ધુમ્મસના કારણે બાંગ્લાદેશની રાજધાની ઢાકા ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

મુંબઈથી ગુવાહાટી જતા મુસાફરો ઈન્ડિગો ઍરલાઈન્સ (Indigo)ની ફ્લાઈટમાં ચઢ્યા હતા, પરંતુ તેઓ પાસપોર્ટ અને વિઝા વગર સીધા બાંગ્લાદેશ પહોંચ્યા હતા. ગાઢ ધુમ્મસના કારણે પ્લેનને ગુવાહાટીમાં લેન્ડ કરવું શક્ય નહોતું અને પ્લેનનું સીધું બાંગ્લાદેશમાં ઈમરજન્સી લેન્ડિંગ (Indigo Flight Emergency Landing) કરવું પડ્યું હતું. ગુવાહાટી ખાતે વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે ગુવાહાટી ઍરપોર્ટ પર વિઝિબિલિટી લગભગ શૂન્ય હતી, જેના કારણે આસામના ગુવાહાટી ઍરપોર્ટ પર પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. ત્યાર બાદ ફ્લાઇટને ઢાકા તરફ વાળવામાં આવી હતી, જે આસામ શહેરથી 400 કિમી દૂર છે.

મુંબઈ ટુ બાંગ્લાદેશ, વાયા ગુવાહાટી

એનડીટીવીએ અહેવાલ આપ્યો છે કે, મુંબઈ યુથ કૉંગ્રેસના ભૂતપૂર્વ વડા સૂરજ સિંહ ઠાકુર, જેઓ ઈમ્ફાલમાં કૉંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા, તેઓ પણ ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટમાં હાજર હતા. તેમણે પોતાના ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું છે કે તે મુંબઈથી ગુવાહાટીની ફ્લાઈટમાં બેઠા હતા, પરંતુ ફ્લાઈટ સીધી બાંગ્લાદેશમાં લેન્ડ થઈ હતી.

ન પાસપોર્ટ, ન વિઝા, તો પણ પ્રવાસીઓએ પાર કરી આંતરરાષ્ટ્રીય સરહદ

કૉંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “હું ઈન્ડિગો 6E ફ્લાઈટ નંબર 6E 5319 દ્વારા મુંબઈથી ગુવાહાટી જઈ રહ્યો હતો, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે પ્લેન ગુવાહાટીમાં લેન્ડ થઈ શક્યું ન હતું. તેના બદલે તે બાંગ્લાદેશના ઢાકામાં લેન્ડ થયું હતું. ફ્લાઇટના તમામ મુસાફરોએ તેમના પાસપોર્ટ અને વિઝા વિના આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી.”

ઈન્ડિગો ઍરલાઈન્સે શું કહ્યું?

ઈન્ડિગો ઍરલાઈન્સે જણાવ્યું કે, “મુંબઈથી પ્લેનમાં સવાર લોકો ગુવાહાટી જઈ રહ્યા હતા, પરંતુ તેઓ બાંગ્લાદેશ પહોંચી ગયા હતા. ગુવાહાટીમાં ખરાબ હવામાનને કારણે મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E 5319ને બાંગ્લાદેશના ઢાકા ઍરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. હવે ઈન્ડિગો બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ગુવાહાટી સુધી મુસાફરોને લઈ જવા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી રહી છે. કંપનીએ કહ્યું કે, ગુવાહાટીમાં ખૂબ જ ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી હતી, ત્યારબાદ એટીસીએ વિમાનને બાંગ્લાદેશ તરફ વાળ્યું હતું.”

indigo mumbai mumbai news india bangladesh national news international news