ભારતમાં પાકિસ્તાનનાં રાષ્ટ્રીય ચિહ્‍નો અને ધ્વજ ઑનલાઇન વેચવા પર સરકારે મૂક્યો પ્રતિબંધ

17 May, 2025 11:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત સરકારે પાકિસ્તાનના ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્‍નોને લગતી વસ્તુઓ વેચવા બદલ કેટલીક મોટી ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ્સને ઠપકો આપ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારે પાકિસ્તાનના ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્‍નોને લગતી વસ્તુઓ વેચવા બદલ કેટલીક મોટી ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ્સને ઠપકો આપ્યો છે અને તેમને તાત્કાલિક આ ચીજોનું વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે ઍમૅઝૉન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, Ubuy India,  Etsy, ધ ફ્લૅગ કંપની અને ધ ફ્લૅગ કૉર્પોરેશન જેવી મોટી ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ્સને નોટિસ મોકલી છે.

આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન પ્રહ્‍લાદ જોશીએ જણાવ્યું હતું કે ‘આ વેબસાઇટ્સને આવી વસ્તુઓનું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કૃત્ય અસંવેદનશીલ છે અને દેશની ભાવનાઓનું અપમાન છે. આવી અસંવેદનશીલતા સહન કરવામાં આવશે નહીં. બધા ઑનલાઇન રીટેલર્સે ભારતના કાયદાનું પાલન કરવું પડશે.’

આ સંદર્ભમાં વેપારીઓના એક મોટા સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહ્‍લાદ જોશીને પત્ર લખ્યો હતો. સંગઠનના પ્રમુખ બી. સી. ભારતીયાએ માગણી કરતાં કહ્યું હતું કે ‘પાકિસ્તાનનાં રાષ્ટ્રીય પ્રતીકો ધરાવતી વસ્તુઓના ઑનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. કેટલાંક ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પાકિસ્તાની ધ્વજ, બૅન્ડ, સ્ટિકર્સ, ટી-શર્ટ, બૅજ અને અન્ય વસ્તુઓ ખુલ્લેઆમ વેચે છે જે ગંભીર ચિંતાનો વિષય છે. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાની વિરુદ્ધ છે. જ્યારે પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપી રહ્યું છે ત્યારે ભારતમાં એ દેશનાં પ્રતીકો અને ધ્વજ વેચવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’

india pakistan ind pak tension amazon indian economy national news news indian government