સરકાર ડીપફેક વિરુદ્ધ કદાચ નવો કાયદો લાવશે

23 November, 2023 11:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાજીવ ચન્દ્રશેખરે આ વાત જણાવી : આઇટી મંત્રાલયે આજે અને આવતી કાલે સોશ્યલ મીડિયા કંપનીઓના એક્ઝિક્યુટિવ્સની સાથે એક મીટિંગ બોલાવી

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર ડીપફેક અને ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે નવો કાયદો લાવવા માટે વિચાર કરી શકે છે. ઇલેક્ટ્રૉનિક્સ અને ટેક્નૉલૉજી રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે મંગળવારે આ વાત જણાવી હતી. બીજી તરફ આઇટી મંત્રાલયે આજે અને આવતી કાલે સોશ્યલ મીડિયા કંપનીઓના એક્ઝિક્યુટિવ્સની સાથે એક મીટિંગ બોલાવી છે.

રેઇલ ભવનમાં યોજાનારી મીટિંગમાં છેતરવા કે ગેરમાર્ગે દોરવા માટે ઇમેજીઝ કે વિડિયોમાં કરવામાં આવતા ફેરફારોના મુદ્દા પર ફોકસ કરવામાં આવશે. બીજી તરફ આવતી કાલની મીટિંગમાં આઇટી રૂલ્સના અમલ પર ફોકસ કરવામાં આવશે.

ચન્દ્રશેખરે કહ્યું હતું કે ‘ઇન્ટરનેટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી આપણને ખૂબ લાભ મળે છે અને એનાથી આપણી ક્ષમતા વધે છે, પરંતુ હિંસા માટે ઉશ્કેરણી કરવા, સમાજમાં અરાજકતા ફેલાવવા અને નુકસાન પહોંચાડવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. ડીપફેકથી ભારતના ઇન્ટરનેટ યુઝર્સને સ્પષ્ટપણે ગંભીર ખતરો છે.’

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘અમે એપ્રિલ ૨૦૨૩માં ખૂબ મહેનત કરીને આઇટી રૂલ્સ બનાવ્યા હતા. અમે સતત માળખું બનાવતા રહીશું. ભારતીયોની સેફ્ટીને એકંદરે ડીપફેક કે ખોટી માહિતીથી કોઈ ખતરો ન રહે એની ખાતરી કરવા માટે જો જરૂર પડશે તો નવો કાયદો લવાશે.’

social media india indian government national news