ભારતની કંપનીઓ અંગોલાથી LPG ખરીદવાની તૈયારીમાં

31 March, 2026 07:29 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ખાડી દેશો પરની નિર્ભરતા ઘટાડવાના પ્લાનિંગમાં મોટું પગલું, આ જહાજોને હોર્મુઝ પાસેથી પસાર નહીં થવું પડે

અંગોલાથી કેપ ઑફ ગુડ હોપ થઈને ભારત પહોંચવાનો દરિયાઈ માર્ગ સેફ છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભી થયેલી LPGની અછતના નિવારણ માટે સરકારી તેલ અને ગૅસ કંપનીઓ હવે નવા દેશોથી LPG ખરીદવાનો વિકલ્પ શોધી રહી છે. એ માટે ઇન્ડિયન ઑઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ગેઇલ જેવી કંપનીઓ આફ્રિકન દેશ અંગોલાની સરકારી કંપની સોનાનગોલ પાસેથી LPG ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ કંપનીઓ લાંબા સમયનો કરાર કરવાનો વિચાર કરી રહી છે. જોકે હજી વાતચીત પ્રારંભિક તબક્કામાં છે અને સરકારી સ્તર પર પણ ચર્ચા ચાલી રહી છે. 

ભારતમાં મોટા ભાગની LPG આયાત ખાડી દેશોમાંથી થાય છે. ભારત સરકાર એ નિર્ભરતા ઘટાડવા માગે છે. જો અંગોલા સાથે કરાર થઈ જાય તો જહાજ ઍટલાન્ટિક અને અરબ સાગરમાંથી થઈને ડાયરેક્ટ ભારત પહોંચી શકે છે અને એમાં હોર્મુઝ સ્ટ્રેટના જોખમી રસ્તા પરથી પસાર થવાની જરૂર નહીં રહે. 

અંગોલા બધી રીતે સુરક્ષિત

બન્ને દેશો વચ્ચે તેલ અને ગૅસનો વેપાર નાના પાયે થતો આવ્યો હોવાથી ભરોસાના સંબંધો બનેલા છે. એને કારણે નવી ડીલ કરવાનું પણ સરળ છે. અંગોલામાં LPG માટે જરૂરી પ્રોપેન અને બ્યુટેન ગૅસનું ઉત્પાદન સારી માત્રામાં થાય છે. સમુદ્રના રસ્તે ૧૨થી ૧૮ દિવસમાં કોઈ અન્ય દેશની સરહદ સીમામાંથી પસાર થયા વિના જહાજ ભારત પહોંચી જઈ શકે છે.

national news india indian government lpg crisis lpg cylinder hormuz strait