20 November, 2023 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતે ગઈ કાલે એક ઐતિહાસિક અચીવમેન્ટ મેળવી છે. ઇન્ડિયન જીડીપીએ ચાર ટ્રિલ્યન ડૉલર (૩૩૩.૧૭ ટ્રિલ્યન રૂપિયા)ના આંકડાને પાર કરી દીધો હોવાનું જણાવાયું છે. પહેલી વખત ભારતે આ અચીવમેન્ટ મેળવી છે. ભારતે જીડીપીના મામલે વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ભારતે પાંચ ટ્રિલ્યન ડૉલર (૪૧૬.૪૬ ટ્રિલ્યન રૂપિયા)ની ઇકૉનૉમી બનવાનો ટાર્ગેટ અચીવ કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ઉપાડ્યું છે. આર્થિક અંદાજોમાં જણાવાયું હતું કે બીજા ક્વૉર્ટરમાં રિયલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રિઝર્વ બૅન્કના ૬.૫ ટકાના અંદાજ કરતાં વધુ રહેશે. નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં ભારતની ઇકૉનૉમી નોંધપાત્ર દરે વધી અને આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે રિસન્ટલી ઘરેલુ ઇકૉનૉમી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ૧૬ નવેમ્બરે જણાવ્યું હતું કે ભારતના ઇકૉનૉમિક ગ્રોથની શક્યતાઓ મધ્યમ ગાળે મજબૂત રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૬માં ૬-૭.૧ ટકાનો ગ્રોથ રહેશે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓની ભારત પર ઓછી અસર પડશે એમ જણાવાયું છે.
ભારતે જીડીપીમાં ચાર ટ્રિલ્યન ડૉલરની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આપણી વૈશ્વિક ઉપસ્થિતિમાં આ નોંધપાત્ર ક્ષણ છે. પીએમ મોદીની ક્રાંતિકારી લીડરશિપ ભારતને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ ગઈ છે. - અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય પ્રધાન
ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીનો ભાગ બનવા બદલ રોમાંચ અનુભવું છું. કૉન્ગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા. બીજાં બે વર્ષ બાદ જપાન અને જર્મનીને ઓવરટેક કરીને ગ્લોબલ જીડીપીની દૃષ્ટિએ ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ બનશે. - ગૌતમ અદાણી, અદાણી ગ્રુપના ચૅરમૅન
આ ‘અચીવમેન્ટ’ વિશે ઑફિશ્યલી કશું જણાવાયું નથી
કેન્દ્રીય પ્રધાનો અને અબજોપતિ ગૌતમ અદાણીએ પણ ભારતને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યાં છે. જોકે નાણા મંત્રાલય અને નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસે ભારતની જીડીપી વિશેની વાઇરલ સોશ્યલ મીડિયા પોસ્ટ વિશે કમેન્ટ કરી નથી. દરમ્યાનમાં એક મીડિયા રિપોર્ટમાં સોર્સિસને ટાંકીને જણાવાયું છે કે આ વાઇરલ ન્યુઝ ખોટા છે અને ભારત હજી આ અચીવમેન્ટ મેળવવાથી દૂર છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ ડેટા આધારિત તમામ દેશોના જીડીપીના આંકડા રજૂ કરતો વેરિફાય કર્યા વિનાનો એક સ્ક્રીનગ્રૅબ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે. બીજેપીના સિનિયર લીડર્સે પણ એને શૅર કર્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ આ અચીવમેન્ટને બિરદાવી છે.
|
ટૉપ ફાઇવ ઇકૉનૉમીઝ |
|
|
દેશ |
ઇકૉનૉમીની સાઇઝ |
|
અમેરિકા |
૨૬.૭૦ ટ્રિલ્યન ડૉલર (૨૨૨૩.૮૯ ટ્રિલ્યન રૂપિયા) |
|
ચીન |
૧૯.૨૪ ટ્રિલ્યન ડૉલર (૧૬૦૨.૫૩ ટ્રિલ્યન રૂપિયા) |
|
જપાન |
૪.૩૯ ટ્રિલ્યન ડૉલર (૩૬૫.૬૫ ટ્રિલ્યન રૂપિયા) |
|
જર્મની |
૪.૨૮ ટ્રિલ્યન ડૉલર (૩૫૬.૪૯ ટ્રિલ્યન રૂપિયા) |
|
ભારત |
૪ ટ્રિલ્યન ડૉલર (૩૩૩.૧૭ ટ્રિલ્યન રૂપિયા) |