30 January, 2026 07:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બજેટ-સેશન દરમ્યાન લોકસભામાં બોલતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ.
ડોનલ્ડ ટ્રમ્પે લગાવેલી ટૅરિફને કારણે ભારતની ઇકૉનૉમીમાં ડાઉનફૉલ આવશે એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું, પરંતુ હકીકતમાં ઇકૉનૉમીના ગ્રોથમાં તેજી નોંધાઈ હતી. ગઈ કાલે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારતનું આર્થિક રિપોર્ટ-કાર્ડ લોકસભામાં રજૂ કર્યું હતું. એ આર્થિક લેખાંજોખાંમાં કહેવાયું હતું કે ‘અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલી ટૅરિફે અનેક લોકોને હેરાન કરી દીધા છે, કેમ કે ભારતે આ નવી ટૅરિફ-સિસ્ટમ પછી પણ ગ્રોથ મેળવ્યો છે. ટૅરિફ લાગ્યા પછી આર્થિક ગ્રોથનાં અનુમાનોને નીચે લાવવામાં આવ્યાં હતાં, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટ્રક્ચરલ રિફૉર્મ્સ અને નવી પૉલિસીઓ બનાવવાને કારણે આર્થિક વિકાસમાં તેજી નોંધાઈ હતી. આ સર્વેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો ગ્રોથ ૬.૮ ટકાથી ૭.૪ ટકા જેટલો રહેવાનું અનુમાન છે.’
આર્થિક સર્વે સાથે સંકળાયેલી મુખ્ય ત્રણ બાબતો
૧. મોંઘવારી ઃ ઇકૉનૉમિક સર્વે મુજબ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)એ અનુમાન લગાવ્યું છે કે આવનારા વર્ષમાં મોંઘવારીનો દર વધશે. એ લગભગ ૪ ટકાની આસપાસ રહેશે. ૨૦૨૭ના પહેલા અને બીજા ત્રિમાસિકમાં મોંઘવારી ૩.૯ ટકાથી ૪ ટકાની આસપાસ રહી શકે છે.
૨. GDP ઃ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૭માં ભારતનો GDP ગ્રોથ ૬.૮ ટકાથી ૭.૨ ટકાની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક સ્તર પરના તનાવગ્રસ્ત અને અસ્થિર માહોલ પછી પણ ભારતીય ઇકૉનૉમીની ગતિ મજબૂત બનેલી રહી છે. ચાલુ વર્ષે વિકાસદર ૭.૪ ટકા રહેવાની આશા છે.
૩. નોકરી ઃ નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ત્રિમાસિક દરમ્યાન એટલે કે એપ્રિલ-જૂન ૨૦૨૫ દરમ્યાન ભારતમાં ૧૫ વર્ષથી મોટી ઉંમરના ૫૬.૨ ટકા લોકો પાસે રોજગાર હતો. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના ત્રિમાસિક દરમ્યાન લગભગ ૮.૭ લાખ નવી નોકરીઓ પેદા થઈ. ભારતમાં લગભગ ૪૦ ટકા અસ્થાયી કર્મચારીઓ (ગિગ વર્કર્સ) મહિને ૧૫,૦૦૦ રૂપિયાથી ઓછું કમાય છે. તેમના કામ સાથે નવા નિયમો અને પૉલિસી લાવવાની જરૂર છે. ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના ૩૧ કરોડથી વધુ વર્કર્સ રજિસ્ટર છે.