ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપ્યો, એક અઠવાડિયામાં બીજો

22 May, 2025 12:30 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જાસૂસીકાંડમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતે ગઈ કાલે પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત બીજા અધિકારીને તેના સત્તાવાર દરજ્જા સાથે મેળ ન ખાતી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢ્યો હતો અને ૨૪ કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેના સત્તાવાર દરજ્જા સાથે મેળ ન ખાતી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નૉન-ગ્રેટા જાહેર કર્યો છે અને ૨૪ કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જાસૂસીકાંડમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.

આ પહેલાં ગયા અઠવાડિયે પણ નવી દિલ્હીએ પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને હાંકી કાઢ્યો હતો. તેણે નવી દિલ્હીમાં પાકિસ્તાની ચાર્જ ડી’અફેર્સને અધિકારીની પ્રવૃત્તિઓ અંગે ડીમાર્ચ પણ જાહેર કર્યો હતો.

national news india ind pak tension pakistan indian army