દિલ્હીમાં કાર્ટ્રિજ, જ્યારે કલકત્તામાં સ્મારક પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું

13 August, 2022 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોલીસ અનુસાર અત્યારે મેરઠની જેલમાં કેદ ગૅન્ગસ્ટર અનિલની આ કાંડમાં સંડોવણી છે

દિલ્હી પોલીસે ગઈ કાલે હથિયારોના સ્મગલિંગ માટે છ લોકોની ધરપકડ કરી હતી

ઇન્ડિપેન્ડન્સ-ડે પહેલાં દિલ્હી પોલીસે ગઈ કાલે હથિયારોના સ્મગલિંગ માટે છ લોકોની ધરપકડ કરી હતી, જ્યારે કલકત્તામાં વિક્ટોરિયા મેમોરિયલ પરથી એક ડ્રોન ઉડાડવા બદલ બે બંગલા દેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.  

દિલ્હી ઇસ્ટર્ન રેન્જના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર વિક્રમજિત સિંહે કહ્યું હતું કે ૨૨૦૦ કાર્ટ્રિજથી ભરેલી બૅગ્સને લખનઉમાં મોકલવાની હતી.

પોલીસ અનુસાર અત્યારે મેરઠની જેલમાં કેદ ગૅન્ગસ્ટર અનિલની આ કાંડમાં સંડોવણી છે. અનિલે જૌનપુરના નિવાસી સદ્દામ માટે ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક ગન હાઉસથી કાર્ટ્રિજની વ્યવસ્થા કરી હતી. આ ગન હાઉસના માલિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દરમ્યાનમાં કલકત્તામાં વિક્ટોરિયા મેમોરિયલ પરથી એક ડ્રોન ઉડાડવા બદલ બાંગલા દેશી નાગરિકો મોહમ્મદ શિફત અને મોહમ્મદ ઝિલ્લુર રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. તેઓ બન્ને આ મેમોરિયલ અને એની આસપાસના એરિયાના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા.

national news new delhi kolkata