09 January, 2024 08:23 AM IST | Male | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ મુઇઝુ, ઇબ્રાહિમ શાહીબ
માલે : મૉલદીવ્ઝના હાઈ કમિશનરને સોમવારે વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને પ્રમુખ મોહમ્મદ મુઇઝુની સરકારના કેટલાક પ્રધાનો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સોશ્યલ મીડિયા પર મૂકેલી અપમાનજનક ટિપ્પણી વિશે સત્તાવાર વિરોધ ઉઠાવી વાંધો રજૂ કરાયો હતો.
હાઈ કમિશનર ઇબ્રાહિમ શાહીબને કહેવામાં આવ્યું હતું કે મૉલદીવ્ઝ દ્વિપક્ષીય સંબંધને બગાડે છે તેથી એને સુધારવાની જવાબદારી પ્રમુખ રાષ્ટ્રપતિ મુઇઝુ પર છે. રાજદૂતને સ્પષ્ટ જણાવાયું હતું કે ત્રણ જુનિયર પ્રધાનોને હાંકી કાઢવા જોઈએ, માત્ર સસ્પેન્ડ કરવામાં ન આવવા જોઈએ. પ્રમુખ મુઇઝુના, ખાસ કરીને બંને મહિલા પ્રધાનો કે જેઓ પ્રમુખના માઉથપીસ ગણાય છે તેમનાં નિવેદનો વિશે, મૌનને લઈને નવી દિલ્હી ખફા છે. હકીકતમાં જુનિયર પ્રધાનોનો આ આક્રોશ ઇરાદાપૂર્વક પ્રમુખ મુઇઝુની ચીનની મુલાકાતની પૂર્વસંધ્યાએ જ જોવા મળ્યો એ વિશે ભારતીય વિદેશ મંત્રાલયે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ.