ઑપરેશન સિંદૂર પછી સંરક્ષણબજેટમાં આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થઈ શકે

17 May, 2025 12:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વધારાનું ભંડોળ આધુનિક શસ્ત્રોની ખરીદી, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા સ્વદેશી ડિફેન્સ ટેક્નૉલૉજીને ટેકો આપવા માટે વાપરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પહલગામ હુમલા પછી ભારતે કરેલા ઑપરેશન સિંદૂર બાદ ભારત હવે એના ૨૦૨૫-’૨૬ના સંરક્ષણબજેટમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો કરી શકે એમ છે અને એના પગલે સંરક્ષણબજેટ પાછળ કુલ ખર્ચ ૭ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. વધારાનું ભંડોળ આધુનિક શસ્ત્રોની ખરીદી, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા સ્વદેશી ડિફેન્સ ટેક્નૉલૉજીને ટેકો આપવા માટે વાપરવામાં આવશે.

આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર પછી પૂરક બજેટ દ્વારા ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એને સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી મળી શકે છે.

આ વર્ષે સંરક્ષણ માટે કેન્દ્રીય બજેટમાં રેકૉર્ડ ૬.૮૧ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં ૯.૫૩ ટકા વધારે હતા.

ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણિત નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સરકાર સત્તામાં આવી ત્યારથી છેલ્લાં ૧૦ વર્ષમાં સંરક્ષણબજેટમાં લગભગ ત્રણગણો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૪-’૧૫માં સંરક્ષણબજેટ ૨.૨૯ લાખ કરોડ રૂપિયા હતું. આ વર્ષે ૬.૮૧ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે કુલ બજેટના ૧૩.૪૫ ટકા છે.

operation sindoor indian government india pakistan indian army indian air force indian navy ind pak tension Pahalgam Terror Attack terror attack national news news