પાકિસ્તાનથી ત્રીજા દેશ મારફત માલસામાન ભારત પહોંચતો અટકાવવા કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ હાઈ અલર્ટ પર

06 May, 2025 03:01 PM IST  |  Kullu | Gujarati Mid-day Correspondent

આશરે ૫૦૦ મિલ્યન ડૉલરના મૂલ્યની પાકિસ્તાની વસ્તુઓ UAE, સિંગાપોર, ઇન્ડોનેશિયા, શ્રીલંકામાં હજીયે રીપૅક અને રીલેબલ થતી હોવાની જાણકારી

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગઈ કાલે BJPના સમર્થકોએ મોરચો કાઢીને રાજ્યની કૉન્ગ્રેસ સરકાર સમક્ષ માગણી કરી હતી કે એ પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરે.

પહલગામ આતંકવાદી હુમલાના પગલે ભારતે પાકિસ્તાની માલસામાનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), સિંગાપોર, ઇન્ડોનેશિયા અથવા શ્રીલંકા જેવા ત્રીજા દેશ મારફત પાકિસ્તાન એના માલસામાનને ભારતીય બજારમાં પહોંચાડવા પ્રયાસ કરે તો એને અટકાવવા માટે હાલમાં કસ્ટમ્સ વિભાગ હાઈ અલર્ટ પર છે. આશરે ૫૦૦ મિલ્યન ડૉલરના મૂલ્યના સામાનની રીપૅકિંગ અને રીલેબલિંગ ત્રીજા દેશમાં થઈ રહી હોવાની જાણકારી મળી છે.

પાકિસ્તાનથી સત્તાવાર ચૅનલ દ્વારા ભારતમાં આયાત થતા સામાનનું મૂલ્ય નજીવું છે, પણ આ આઇટમો ત્રીજા દેશો મારફત ભારત આવે છે એથી સરકારે બીજી મેએ પાકિસ્તાનથી થતી બધી પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. આ પ્રયાસો દ્વારા ભારત પાકિસ્તાનના પહેલેથી ક્ષતિગ્રસ્ત અર્થતંત્રને વધારે ડામાડોળ કરવા માગે છે.

૨૦૧૯ના ફેબ્રુઆરીમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો જેના કારણે પાકિસ્તાનના અર્થતંત્રને પહેલો મોટો ફટકો પડ્યો હતો. MFN દરજ્જો પાછો ખેંચવા ઉપરાંત ભારતે પાકિસ્તાનથી થતી આયાત પર ૨૦૦ ટકા કસ્ટમ્સ ડ્યુટી લગાવી હતી જેના કારણે સરહદ પારથી થતી શિપમેન્ટમાં તીવ્ર ઘટાડો થયો. ૨૦૨૦-’૨૧માં ૨.૩૯ મિલ્યન ડૉલરની પાકિસ્તાની આયાત ધીમે-ધીમે ૨૦૨૪-’૨૫ના પ્રથમ ૧૦ મહિનામાં નજીવી (૦.૪૨ મિલ્યન ડૉલર) થઈ ગઈ હતી. ૨૦૦ ટકા ટૅરિફથી પાકિસ્તાનથી થતી સીધી આયાત અવ્યવહારુ બની ગઈ જેનાથી એ અસરકારક રીતે બંધ થઈ ગઈ અને એક વર્ષની અંદર, પાકિસ્તાનથી ભારતને થતી નિકાસમાં ૯૦ ટકાથી વધુ ઘટાડો થયો. ભારતનો એક જ સૂર હતો કે આતંકવાદ અને વેપાર એકસાથે થઈ શકતા નથી.

ડિરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડે (DGFT) શુક્રવારે સાંજે એક જાહેરનામું બહાર પાડીને સીધી રીતે અથવા ત્રીજા દેશ દ્વારા તમામ પાકિસ્તાની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને સરકારી એજન્સીઓને કડક નજર રાખવા કહેવામાં આવ્યું છે. 

ભારતીય વેપારીઓએ સિંધવ મીઠાના ઑર્ડર રદ કર્યા

પહલગામમાં નિર્દોષ લોકોની હત્યા બાદ ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધથી સિંધવ મીઠું અને સૂકાં ફળોના વ્યવસાયને સૌથી વધુ અસર થશે. આવી સ્થિતિમાં વેપારીઓએ સિંધવ મીઠાના ઑર્ડર રદ કર્યા છે. નવા ઑર્ડર લેવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાનથી રૉક સૉલ્ટ (લાહોરી મીઠું), ખજૂર અને કાળી કિસમિસ આયાત કરવામાં આવે છે. અંજીર અને કિસમિસ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને ભારત પહોંચે છે. દર મહિને ૨૫૦થી ૩૦૦ ટન સિંધવ મીઠું, ૫૫૦-૬૦૦ ટન ખજૂર, ૧૫ ટન પિસ્તાં-કાળી કિસમિસ અને શાકભાજીનાં બીજનો વેપાર થાય છે. પાકિસ્તાનથી આયાત બંધ થવાને કારણે જથ્થાબંધ વેપારીઓએ હાલમાં સિંધવ મીઠાના મોટા ઑર્ડર રદ કર્યા છે.

ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય વેપાર
સરકારી માહિતી અનુસાર પાકિસ્તાને નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ના એપ્રિલ-જાન્યુઆરીમાં ભારતમાંથી ૪૪૮ મિલ્યન ડૉલરનો માલ આયાત કર્યો હતો. એની આયાતમાં આવશ્યક દવાઓ, ખાંડ, રસાયણો, ઑટો ઘટકો અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ થતો હતો. ૨૦૨૩-’૨૪ના નાણાકીય વર્ષમાં ભારતે પાકિસ્તાનથી માત્ર ૩ મિલ્યન ડૉલરની આયાત કરી હતી. એ જ સમયે પાકિસ્તાને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧.૨ બિલ્યન ડૉલરના મૂલ્યના ભારતીય માલની આયાત કરી હતી. પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય વેપારમાં તીવ્ર ઘટાડો થયો હતો. 

શેની આયાત, શેની નિકાસ?
ભારત ખનિજ તેલ, તાંબું, ખાદ્ય ફળો અને બદામ, મીઠું, સલ્ફર, પ્લાસ્ટરિંગ સામગ્રી, કપાસ, પ્રાણીજન્ય ચામડીની આયાત કરતું હતું; જ્યારે રસાયણો, તૈયાર પશુચારો, શાકભાજી, પ્લાસ્ટિકની વસ્તુઓ, ડેરી ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને ખાંડની નિકાસ કરતું હતું. ગુણવત્તા અને ખર્ચનાં પરિબળોને કારણે પાકિસ્તાનીઓ UAE અથવા સિંગાપોર જેવા ત્રીજા દેશો દ્વારા અનૌપચારિક ચૅનલો દ્વારા દવાઓ, રસાયણો, ખાંડ અને ખાદ્ય ચીજો જેવી ભારતીય વસ્તુઓ પણ ખરીદે છે.

પાકિસ્તાનીઓએ ભારતની સંરક્ષણ વેબસાઇટ્સ પર કર્યો સાઇબર અટૅક

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી ગયો છે અને આ દરમ્યાન પાકિસ્તાન સાઇબર ફોર્સ નામના અકાઉન્ટ દ્વારા ભારતીય સંરક્ષણ સંસ્થાઓનો ડેટા હૅક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. હૅકર્સ જૂથે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ અને મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનૅલિસિસ (MP-IDSA) સંબંધિત સંવેદનશીલ માહિતી ચોરી કરવાનો દાવો કર્યો હતો અને સરકારી વેબસાઇટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

હૅકર્સે સંરક્ષણ કર્મચારીઓની વ્યક્તિગત માહિતી અને લૉગ-ઇનની વિગતો મેળવી લીધી છે. આ ઉપરાંત આ જૂથે સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સરકારી કંપની આર્મર્ડ વેહિકલ કૉર્પોરેશન લિમિટેડ (AVNL)ની સત્તાવાર વેબસાઇટ હૅક કરવાનો પ્રયાસ કર્યો હતો. વેબસાઇટ પર પાકિસ્તાનના ધ્વજ અને અલ ખાલિદ ટૅન્કનો ફોટો જોવા મળ્યા હતા.

પાકિસ્તાની સૈનિક બાદ હવે BSFએ પાકિસ્તાની નાગરિકની કરી ધરપકડ

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ પંજાબના ગુરદાસપુરમાં એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની યુવકને ત્રીજી મેએ દબોચી લેવાયો હતો, તે ગુજરાંવાલાનો રહેવાસી છે. તેની પાસે કેટલાક રૂપિયા અને એક આઇડેન્ટિટી કાર્ડ મળ્યાં છે. BSF અને પોલીસે તેની પૂછપરછ કરી હતી. આ અગાઉ BSFએ રાજસ્થાનમાં એક પાકિસ્તાની સૈનિકને પકડ્યો હતો.

પાકિસ્તાનમાં અઠવાડિયામાં ત્રીજી વખત ધરતી ધણધણી, ૪.૨નો ધરતીકંપ આવ્યો
પાડોશી દેશ પાકિસ્તાનમાં અઠવાડિયામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ હતી. પાકિસ્તાનનાં ઘણાં શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના પછી ગભરાયેલા લોકો પોતાનાં ઘર છોડીને ખાલી જગ્યાઓ તરફ ભાગવા લાગ્યા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર પાંચમી મેએ સાંજે ૪ વાગ્યે નોંધાયેલા ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિલોમીટર ઊંડે હતું. આ ભૂકંપના આંચકા ખૈબર-પખ્તુનખ્વાની આસપાસ અનુભવાયા હતા. આ અગાઉ ત્રીજી મેએ અફઘાનિસ્તાનમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

india pakistan Pahalgam Terror Attack terror attack himachal pradesh national news news