૧૧ મુખ્યપ્રધાનોની ગેરહાજરીમાં યોજાઈ નીતિ આયોગની બેઠક, જાણો PM મોદીએ શું કહ્યું

27 May, 2023 08:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય વિઝન તૈયાર કરવા હાકલ કરી હતી અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સામાન્ય વિઝન તૈયાર કરવા હાકલ કરી હતી અને રાજ્યોને આ દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું. PM મોદીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (GCM)ની આઠમી બેઠકને સંબોધિત કરતાં આ વાત કહી હતી. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા. તેમણે રાજ્યોને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો તૈયાર કરવા આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણય લેવા જણાવ્યું હતું.

નીતિ આયોગે (Niti Aayog) ટ્વિટર પર લખ્યું કે, “નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે ભારતનો વિકાસ થાય છે. તેમણે 2047માં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સહિયારી દ્રષ્ટિ વિકસાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.”

અન્ય એક ટ્વીટમાં કમિશને કહ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને આર્થિક રીતે સમજદારીભર્યા નિર્ણયો લેવા વિનંતી કરી, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બને અને નાગરિકોના સપના પૂરા કરે તેવા કાર્યક્રમો ચલાવી શકે.”

ભારતને વિકસિત દેશ બનાવવા પર ચર્ચા

NITI આયોગ ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં, ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ તેમ જ ઉત્તર પ્રદેશ, આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યા હતા. તે જ સમયે, બિહાર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ અને દિલ્હીના મુખ્યપ્રધાનોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો: PM મોદીએ શૅર કર્યો નવા સંસદ ભવનનો વીડિયો, લોકોને આપી નવી ચેલેન્જ

નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની સંપૂર્ણ બેઠક દર વર્ષે યોજાય છે. ગયા વર્ષે 7 ઑગસ્ટના રોજ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. કાઉન્સિલની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી, 2015ના રોજ મળી હતી. તે જ સમયે, કોરોના વાયરસ રોગચાળાને કારણે 2020માં બેઠક બોલાવવામાં આવી ન હતી.

national news narendra modi parliament